January 23, 2025

અફઘાનિસ્તાન ડેલીગેશન ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાની કરશે સમીક્ષા

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ હુમલા મામલે વધુ સમાચાર સામે આવ્યા છે. અફઘાનિસ્તાનનું ડેલીગેશન ગુજરાત યુનિવર્સિટી ખાતે આવી શકે છે. અહીં તેઓ વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. તમને જણાવી દઇએ કે આ હુમલો નમાઝ બાબતે યુનિવર્સિટી હોસ્ટેલમાં કરાયો હતો.

મળતી માહિતી અનુસાર ગુજરાત યુનિવર્સિટીના એ-બ્લોક કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, આફ્રિકા અને ઉઝબેકિસ્તાનના વિધાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઇને અફઘાનિસ્તાનનું ડેલીગેશન ગુજરાત યુનિવર્સિટી ખાતે આવી શકે છે. જેઓ વિદ્યાર્થીઓની સુરક્ષાવ્યવસ્થાની સમીક્ષા કરશે. આ સિવાય આફ્રિરન ડેલીગેશન પણ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલની મુલાકાત લઇ ચૂક્યું છે.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના કડક પગલાં, કેમ્પસમાં કોઈ ધાર્મિક પ્રવૃતિ નહીં થાય

નોંધનીય છે કે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટીના હુમલા મામલે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે આરોપી ક્ષિતિજ પાંડે, જીતેન્દ્ર પટેલ અને સાહિલ દુધતિયાની ધરપકડ કરવામાં આવી હતી. અફઘાની વિદ્યાર્થી હારુને ક્ષિતિજ પાંડેને લાફો માર્યો હતો. ત્યારે લાફો માર્યા બાદ મામલો બિચકાયો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

શું હતો સમગ્ર મામલો?
ગુજરાત યુનિવર્સિટીના એ-બ્લોક કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, આફ્રિકા અને ઉઝબેકિસ્તાનના વિધાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે કેમ્પસમાં અજાણ્યા ટોળાએ આવીને વિદ્યાર્થીઓનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીએ પથ્થર મારતા સામે ટોળાએ પણ પથ્થરમારો કર્યો હતો. જ્યારે તમામ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.