January 18, 2025

હવામાન વિભાગની આગાહી, ઠંડીનો રાઉન્ડ ફરી આવશે

અમદાવાદ: ઉનાળો હવે દસ્તક દઈ રહ્યો છે. ત્યાં ફરી એક વાર હવામાન વિભાગે આગાહી કરી છે ઠંડીનો રાઉન્ડ ફરી આવશે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. અમૂક વિસ્તારમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

હવામાનની પેટર્ન બદલાઈ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. જેના કારણે આજ અને કાલ બંને દિવસોમાં અમૂક વિસ્તારમાં ભારે ઠંડી તો અમૂક વિસ્તારમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજના દિવસની જો વાત કરવામાં આવે તો દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

ગુજરાતમાં હવામાન
ગુજરાતમાં હવામાન જાણે સંતાકુકડી રમી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. સવારે ભારે ઠંડી બપોરે ગરમી અને સાંજે ફરી ઠંડી જોવા મળી રહી છે. એકબાજૂ ઠંડી જવાનો સમય આવી ગયો છે તો બીજી બાજૂ અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં ઝાકળ પણ આવી રહ્યો છે. જેના કારણે બિમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી રાજ્યના ભાગોમાં ઠંડીના નવા રાઉન્ડની શરુઆત થઇ જશે. જેમાં કચ્છ, ઉતર ગુજરાત મધ્ય ગુજરાતમાં ઠંડી ફરી પડશે. બનાસકાંઠા, મહેસાણાની આસપાસના વિસ્તારોમાં ઠંડી પડી શકે છે. આવનારા પાંચ દિવસ આવું જ વાતાવરણ જોવા મળશે.