May 3, 2024

સપા-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન, કોંગ્રેસ 17 સીટો પર લડશે ચૂંટણી

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. યુપીની 80 લોકસભા સીટોમાંથી કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે. માહિતી અનુસાર યુપીમાં સપા-કોંગ્રેસ ગઠબંધનમાં પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવે મહત્વની ભૂમિકા ભજવી છે. સપા-કોંગ્રેસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના યુપી પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે કોંગ્રેસ યુપીની 17 બેઠકો પર ચૂંટણી લડશે અને બીજી અન્ય 63 બેઠકો પર સપા અથવા અન્ય પક્ષોના ઉમેદવારો હશે, કોંગ્રેસ તેમને સમર્થન આપશે અને ભાજપને હરાવીશું.

સપા-કોંગ્રેસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં અવિનાશ પાંડેએ કહ્યું કે લોકશાહી બચાવવા અને બંધારણની રક્ષા માટે યુપીમાં સમાજવાદી પાર્ટી અને આઈએનસી (INC) વચ્ચે સીટોની વહેંચણી કરવામાં આવી છે. સપા-કોંગ્રેસ ગઠબંધન અંગે અવિનાશ પાંડેએ કહ્યું કે એક સમિતિની રચના કરવામાં આવી હતી. તમામ લોકશાહી પક્ષોને સાથે લાવીને ભાજપને કેવી રીતે હરાવી શકાય તે અંગે આ સમિતિ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.વધુમાં પાંડેએ કહ્યું કે લાંબા ગાળાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને ગઠબંધનને માન્યતા આપવામાં આવી છે, જે પણ ચર્ચાઓ થઈ તે ફળદાયી હતી અને હવે અમે સાથે મળીને ચૂંટણી લડીશું. સયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના યુપી પ્રભારી અવિનાશ પાંડે, કોંગ્રેસ અધ્યક્ષ અજય રાય, સપા પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલ, સપાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી હાજર રહ્યા હતા.

દેશની સ્થિતિ ખરાબ છે: રાજેન્દ્ર ચૌધરી
સપાના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે અમે લખનૌમાં તમારી સાથે વાત કરી રહ્યા છીએ પરંતુ દેશ બચાવવાનો સંદેશ સમગ્ર દેશમાં જઈ રહ્યો છે. યુપીમાંથી જ ભાજપ 2014માં કેન્દ્રમાં આવ્યું હતું અને 2024માં અહીંથી જતું રહેશે. વધુમાં સપા નેતાએ કહ્યું કે દેશમાં સ્થિતિ ખરાબ છે, ખેડૂતો અને યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. મતદારોને કોમવાદ સામે એક થવા વિનંતી છે. વધુમાં સપાના નેતાએ કહ્યું, અમે ભારતના આદરણીય મતદારોને વિનંતી કરીએ છીએ કે, તમે આ રાષ્ટ્રને બચાવવા માટે તમારી પાસે જે લોકતાંત્રિક અધિકારો છે તેનો સંપૂર્ણ ઈમાનદારી અને નિષ્પક્ષતાથી ઉપયોગ કરશો. અમે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના લોકો માનીએ છીએ કે આ ગઠબંધન ભાજપને સત્તામાંથી હટાવવામાં સફળ થશે અને અમે અભિવ્યક્તિની સ્વતંત્રતા પરત લાવીશું જે છીનવાઈ ગઈ છે.