November 28, 2024

દેવ ડેમના પાણીએ ડભોઇમાં વેર્યો વિનાશ, સાત દિવસે પણ નથી ઓસર્યા ઢાંઢર નદીના પાણી

દિપક જોષી, ડભોઇ: વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ, દેવ ડેમમાંથી એક સાથે 60000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે વડોદરા જિલ્લામાં તારાજી સર્જાઇ હોય તેવો માહોલ ઊભો થયો હતો. એટલું જ નહીં રહેણાંક ઘરો તો ઠીક પરંતુ, ખેડૂતોના ઉભા પાક ઉપર પાણી ફરી વળતા કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે, ડભોઇ તાલુકામાં આજે 7 દિવસ થઈ ગયા છતાં પણ ખેડૂત ના ખેતરમાંથી પાણી નથી ઓસર્યા.

વરસાદ બંધ થયાને સાત-સાત દિવસ થઈ ગયા છતાં ખેતરોમાંથી પાણી નથી ઓસર્યા, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એટલું જ નહીં, ડભોઇ તાલુકામાં ડાંગર, કપાસ, મરચી, દિવેલા, શાકભાજી સહિતના પાકો ઉપર ઢાઢર નદીના પાણી ફરી વળતા કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું ખેડૂતોનું માનવું છે.

ત્યારે બીજી બાજુ, પાક સર્વે માટે ટીમ તૈયાર છે. પરંતુ ખેડૂતના ખેતરમાંથી પાણી નથી ઓસર્યા જેના કારણે પાક સર્વે નથી થઈ શકતો તેવું ખેતી નિયામકનું માનવું છે.

હાલ તો, ડભોઇ તાલુકાના ખેડૂતો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક અસરથી સહાય આપવામાં આવે. જેથી દિવાળી પછીના પાક કરવા માટે ખેડૂતોને સરળતા રહે. હાલ, પાક નુકસાની થતાં ખેડૂતો પાસે પૈસા નથી ત્યારે સરકાર ફૂલની અને ફૂલની પાંખડી પણ આપે તો ખેડૂતોના બીજા વાવેતર માટે સહાયતા મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.