Surat : સિંગણપોરની કિશોરીની છેડતીનો આરોપી રાજસ્થાનથી ઝડપાયો
સુરતનાં સિંગણપોર વિસ્તારમાં કિશોરીની છેડતી મુદ્દે પોલીસને મોટી સફળતા મળી છે. સુરત પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મજૂરીકામ કરતા શખ્શે રસ્તા પર જતી કિશોરી સાથે અડપલા કર્યા હતા. કિશોરીની છેડતી કરતા સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ તરત જ એક્શન મોડમાં આવી ગઈ હતી. જે બાદ સિંગણપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી છેડતીની ઘટનામાં આરોપીની ધરપકડ કરાઈ છે.
મળતી માહિતી અનુસાર થોડાક સમય પહેલા સિંગણપોર પોલીસ મથકની 200 મીટર દૂર જ ધો. 4 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની રોડ પર છેડતી કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર ઘટનાની સીસીટીવી વાયરલ થયા હતા. જેના આધારે વિદ્યાર્થીનીના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સિંગણપોર પોલીસે આરોપીની રાજસ્થાનથી અટકાયત કરી હતી. આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શું હતો સમગ્ર મામલો
આ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધી હતી. તેમજ છેડતી કરનાર શ્રમિક યુવક સામે ગુનો નોંધ્યો હતો. તેમજ સીસીટીવી વાયરલ કનાર યુવક સામે પણ ગુનો નોંધ્યો હતો. નોંધનીય છે કે 12 જાન્યુઆરીના રોજ રસ્તે જતી કિશોરીની એક શ્રમજીવીએ છેડતી કરી હતી. આ ઘટનના સીસીટીવી વાયરલ થતા પોલીસે પત્રકાર તુષાર બસિયા અને શ્રમજીવી સામે ગુનો દાખલ કર્યો હતો. જોકે, આ ઘટના પત્રકાર તુષાર બસિયા દ્વારા લોકો સમક્ષ મુકવામાં આવી હતી. જે બાદ 24 જાન્યુઆરીના રોજ સિંગણપોર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સુરત પોલીસને મળી સફળતા
આ મામલે પોલીસ દ્વારા ઘટનાની નજીકના સ્થળોની આસપાસ ચાલતી બાંધકામ સાઈટો પર શ્રમજીવીની તપાસ કરવામાં આવી હતી. પરંતું ઘણી શોધખોળ બાદ પણ પોલીસને શ્રમજીવીનો પતો મળ્યો ન હતો અને અંતે પોલીસને જાણ થઈ કે આ શ્રમજીવી રસ્તા પર જ રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો . જોકે, સુરત પોલીસને બાતમી મળી હતી કે આરોપી શ્રમજીવી રાજસ્થાનના બાસવાડા ભાગી ગયો છે. જે બાદ આરોપીની બાસવાડાથી ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીનું નામ સોહનલાલ હોવાનું સામે આવ્યું છે.