Breaking News : દહેગામન લીહોડા ગામમાં દેશી દારૂ પીવાથી 2 ના મોત, ત્રણની હાલત ગંભીર
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તે વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં દેશી દારૂનું સેવન કરવાને લીધે બે વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે અન્ય સાત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાત પૈકી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે. દહેગામ તાલુકાના લીહોડા ગામમાં આ કથિત લઠ્ઠાકાંડની ઘટના બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. રાજ્યમાં વર્ષ 2022 માં પણ આ જ પ્રકારે દેશી દારૂએ બરોડામાં 125, અમદાવાદમાં 150 અને બોટાદમાં 42 લોકોનો ભોગ લીધો હતો.
દેશી દારુ પીધા બાદ બેના મોત
મળતી માહિતી મુજબ, ઉત્તરાયણ પર્વની મોડી રાત્રે દહેગામ તાલુકાના લીહોડા ગામમાં બે લોકોના મોત અને અન્ય અસરગ્રસ્ત 7 લોકો પૈકી ત્રણ લોકોની તબીયત અચાનક લથડી હોવાનું સામે આવ્યુ હતુ. આ ઘટનામાં દેશી દારુ પીધા બાદ બે લોકોના મોત થયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે જ્યારે અન્ય ત્રણ લોકોની પણ દારુ પીધા બાદ તબીયત લથડી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.મૃતકોના નામ
- કાનાજી ઉમેદજી ઝાલા – 35 વર્ષ
- વિક્રમસિંહ રગતસિંહ ઝાલા – 35 વર્ષ
સારવાર લઈ રહેલા અસરગ્રસ્તોના નામ
- બળવતસિંહ ઝાલા – 40 વર્ષ
- રાજુસિંહ ઝાલા – 40 વર્ષ
- કાલાજી મોતીજી ઠાકોર – 42 વર્ષ
- ચેહરજી ગગાજી ઝાલા – 70 વર્ષ
- મગરસિંહ ઝાલા – 42 વર્ષ
- વિનોદ ઠાકોર – 45 વર્ષ
- વિક્રમસિંહ
લીહોડા ગામમાં 108 ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી
ઘટનાની જાણ થતાં જ 108 ની ટીમને લીહોડા ગામમાં સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાની જાણ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ રખિયાલ પોલીસને થતાં એસપી સહિત રખિયાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જે બાદ દારુના અડ્ડા અને દારુ વેચનારાઓની શોધખોળ શરુ કરી દેવામાં આવી હતી.
મૃત્યુ પામનાર વ્યક્તિઓ લાંબા સમયથી દારૂનું સેવન કરતાં હતા – એસપી
બે વ્યક્તિઓના મોત થયા બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ બાબતે વધુ માહિતી આપતા જિલ્લા પોલીસ વડાએ જણાવાયું હતું કે, મૃત્યુ પામનાર વ્યક્તિઓ લાંબા સમયથી દારૂનું સેવન કરતાં હતા. વધુમાં તેમણે જણાવાયું કે, સમગ્ર મામલે પોલીસ સેમ્પલ કલેક્ટ કરી વધુ તપાસ માટે મોકલી આપ્યા છે. તો બીજી તરફ રખિયાલ પોલીસ પણ હાલ દારૂના અડ્ડાઓ પર સર્ચ ઓપરેશન કરી રહી છે.