July 17, 2024

Weather Update : શીત લહેર અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં ઉત્તર ભારત, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર !

WEATHER - NEWSCAPITAL

દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર NCR પર ધુમ્મસ, ઠંડી અને શીત લહેરનો હુમલો પણ જોવા મળી રહ્યો છે.  હવામાન વિભાગ (IMD) અનુસાર, રાજધાની દિલ્હીમાં સવારે 6 વાગ્યે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. એક દિવસ અગાઉ રવિવારે આ સિઝનની સૌથી ઠંડી સવાર હતી અને તાપમાનનો પારો 3.5 ડિગ્રી સુધી ગગડી ગયો હતો. ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર ઓછો થાય તેવા કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દિલ્હી NCR સહિત ઘણા રાજ્યો પર્વતીય ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગાઢ ધુમ્મસના કારણે દિવસ દરમિયાન અંધકાર છવાયેલો છે. IMDએ કોલ્ડ વેવ અને ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

હાલ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીથી કોઈ રાહત નથી. ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઠંડી અને ધુમ્મસનું યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસના સ્તર ફેલાયેલા છે. જેના કારણે રસ્તાઓ પર વાહનોની સાથે સાથે ફ્લાઈટ અને ટ્રેનોની ગતિ પણ ઘટી ગઈ છે. લઘુત્તમ પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

દેશના ઉત્તરીય ભાગોમાં ગાઢ ધુમ્મસ

ગાઢ ધુમ્મસે દેશના ઉત્તરીય ભાગોને સંપૂર્ણપણે આવરી લીધા છે. દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસ છે, જેના કારણે વિઝિબિલિટી 250 થી 400 મીટરની વચ્ચે નોંધાઈ છે. પંજાબના ઘણા ભાગોમાં ધુમ્મસના કારણે રસ્તાઓ પર વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. યુપી, હરિયાણા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, આસામ, સિક્કિમમાં પણ આવી જ સ્થિતિ છે.

18 જાન્યુઆરી સુધી કેવું રહેશે હવામાન ?

IMD અનુસાર, આજે બપોર પછી દિલ્હી-NCRમાં આકાશ સાફ થઈ જશે. મહત્તમ તાપમાન 20 અને લઘુત્તમ 4 ડિગ્રીની આસપાસ રહી શકે છે. 16 જાન્યુઆરીએ પણ ખૂબ ગાઢ ધુમ્મસને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્તમ તાપમાન 20 અને લઘુત્તમ 5 ડિગ્રી હોઈ શકે છે. ત્યારબાદ 17 થી 20 જાન્યુઆરી સુધી ધુમ્મસ ઓછુ થવા લાગશે. આ સમયગાળા દરમિયાન, 18 જાન્યુઆરીએ મધ્યમથી ગાઢ ધુમ્મસ હોઈ શકે છે. અન્ય દિવસોમાં ધુમ્મસ મધ્યમ સ્તરનું રહેશે. મહત્તમ તાપમાન 20 થી 21 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 5 થી 7 ડિગ્રી રહી શકે છે.

કોલ્ડ વેવનું કારણ શું છે ?

હવામાનની આગાહી કરતી ખાનગી કંપની સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, પશ્ચિમ હિમાલયમાં હળવી હિમવર્ષા અને વરસાદ સાથેના પવનને કારણે ઠંડી વધી રહી છે. આવી સ્થિતિમાં દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ છે. બે દિવસ સુધી ગાઢ ધુમ્મસથી રાહત નહીં મળે. જો કે આ પછી રાહત મળી શકે છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ હોઈ શકે છે અને તાપમાન 20 ડિગ્રી અને તેથી વધુ રહેશે.