November 14, 2024

અંજારની સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં વિસ્ફોટ થતાં એકનું મોત, 8થી વધુ ઇજાગ્રસ્ત

ANJAR - NEWSCAPITAL

કચ્છના અંજારમાં કીમો સ્ટીલ નામની એક કંપનીમાં મોટો અકસ્માત થયો હતો. સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં વિસ્ફોટ થતા 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચાર લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલ લોકોને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. સ્ટીલ પીગળતી વખતે અકસ્માત થયો હતો. અકસ્માતમાં કામદારોને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ, કંપનીની બેદરકારીના કારણે આ આગ લાગી હતી. વધુમાં મળતી માહિતી મુજબ, ઘટનાને છુપાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આ ઘટનાનો એક દર્દનાક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં લોકો આગમાં સળગતા જોવા મળી રહ્યા છે.

કામદારોની સુરક્ષાને લઈને અનેક ફરિયાદો

કંપનીની ભઠ્ઠીમાં સ્ટીલ પીગળતી વખતે બ્લાસ્ટ થતાં જોરદાર આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન કંપનીમાં કામ કરતા કામદારો આગમાં ખરાબ રીતે દાઝી ગયા હતા. આગ લાગ્યા બાદ કંપનીમાં નાસભાગ મચી ગઈ હતી, જે વીડિયોમાં જોઈ શકાય છે. જ્વાળાઓમાં સળગી રહેલા કામદારોનો આ વીડિયો સામે આવ્યા બાદ કંપનીની ભારે ટીકા થઈ રહી છે. ઘાયલ થયેલા કામદારો પૈકી ચાર કામદારોની હાલત અત્યંત ગંભીર છે. આ પહેલા પણ આ કંપનીમાં કામદારોની સુરક્ષાને લઈને અનેક ફરિયાદો સામે આવી છે.

આ પણ વાંચો : Breaking News : દહેગામન લીહોડા ગામમાં દેશી દારૂ પીવાથી 2 ના મોત, ત્રણની હાલત ગંભીર

ફાયર વિભાગમાં સ્ટાફની અછત 

સ્ટીલ મેલ્ટિંગ ફર્નેસમાં કામ કરતા કામદારોને આગથી બચવાની સુવિધા આપવામાં આવી ન હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો ત્યારે કામદારો ખરાબ રીતે દાઝી ગયા હતા. ત્યારે અંજારના ફાયર વિભાગમાં પણ જરૂરી સ્ટાફ અને ફાયર ફાઈટિંગ વાહનોના અભાવે ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભૂતકાળમાં પણ શહેરમાં ફાયર વિભાગને લઈને અનેક ફરિયાદો મળી હતી, પરંતુ વિભાગમાં કોઈ જરૂરી પગલાં ન લેતા આજે તેના ખરાબ પરિણામો જોવા મળ્યા હતા.