January 22, 2025

Bharuchના Ankleshwar ખાતે આવેલ ESIC હોસ્પિટલને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો નિર્ણય

અંકલેશ્વરમાં કામદારો માટેની એકમાત્ર ESIC હોસ્પિટલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જય વ્યાસ, ભરૂચ: રાજકોટના TRP ગેમઝોનની ગોઝારી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેની અસર હવે ભરૂચ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં કામદારો માટેની એકમાત્ર ESIC હોસ્પિટલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હોસ્પિટલને દક્ષિણ ગુજરાત રિજનલ ઓફિસર સુરતના આદેશ અનુસાર ફાયર અને સેફ્ટી તથા ફાયર સાયરનના અભાવે તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇ હોસ્પિટલના 45 દર્દીઓ પૈકી ICUના પાંચ જેટલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અને બાકીના દર્દીઓને દવા આપી અને વધુ સારવાર અર્થે કામદાર વીમા નિગમ સાથે જોડાયેલ હોસ્પિટલમાં મુલાકાત લેવા જણાવી દેવામાં આવ્યું છે.

100 બેડની અદ્યતન ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શ્રમ રાજ્ય મંત્રી, બંડારુ દત્તાત્રેયના વરદ હસ્તે 13 ફેબ્રુઆરી 2017માં કરવામાં આવ્યું હતુ. તેમ છતાં ફાયર સેફ્ટીના અભાવને પગલે હોસ્પિટલ 29-05-2024થી આગામી સમય સુધી હોસ્પિટલ બંધના બોર્ડ લગાવી દેવામાં આવતા રોજિંદા 300 જેટલા કર્મચારીઓના ચેકઅપ અને સારવાર પર અસર થવા જઈ રહી છે.

આ પણ વાંચો: પાલનપુરના ગણેશપુરામાં રમત-રમતમાં બંધ કારમાં પુરાઇ જતા બાળકને મળ્યું મોત

આ મામલે ESICના મેડિકલ સુપ્રિટેન્ડેટ પ્રમોદ એસ પનિકર દ્વારા જણાવાયું હતું કે, હોસ્પિટલ લગભગ એક મહિના સુધી બંધ રહેશે. અને ESICના દર્દીઓએ કર્મચારી વીમા નિગમ સાથે જોડાયેલ હોસ્પિટલ, અંકલેશ્વરની સવસ્થમ, કેન્સર માટે જયાબેન મોદી, ભરૂચમાં સિવિલ હોસ્પિટલ અને એપેક્ષ હોસ્પિટલ ખાતે સારવાર અને ચેકઅપ કરાવી શકાશે.

અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય લેવાતા અનેક કામદારોએ મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે પરંતુ કામદારોને વધુ મુશ્કેલી ન પડે તે માટે ઓપીડી સેવા શરૂ રાખવામાં આવી છે અને અહીં આવતા દર્દીઓનું ચેકઅપ કરી તેઓને અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે આ હોસ્પિટલ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી કામદારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.