પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ઇરાકમાં ઇરાન સમર્થિત સૈન્ય ઠેકાણા પર પાંચ ધડાકા, ત્રણ ઘાયલ
તહેરાનઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને દેશો સતત એકબીજા પર હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન શનિવારે ઈરાકમાં ઈરાન સમર્થિત સૈન્ય મથકો પર પાંચ વિસ્ફોટ થયા હતા. આમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા છે. જો કે, વિસ્ફોટના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી.
બગદાદની દક્ષિણે બેબીલોન ગવર્નરેટમાં સુરક્ષા સમિતિના સભ્ય મુહાન્નાદ અલ-અનાજીના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ ખાસ કરીને પોપ્યુલર મોબિલાઇઝેશન યુનિટ્સ (PMU)ની સાઇટ પર થયા હતા. બેબીલોન ગવર્નરેટની ઉત્તરે હાઈવે પર અલ-મશરો જિલ્લામાં કાલસુ લશ્કરી બેઝ પર થયેલા વિસ્ફોટોની તપાસ ચાલી રહી છે.
ઇઝરાયલે આરોપોને નકાર્યા
ઈરાનને શંકા છે કે, આ બ્લાસ્ટ ક્યાંક ઈઝરાયલનું ષડયંત્ર છે. જો કે, ઇઝરાયલ અને યુએસ અધિકારીઓએ આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, PMUએ ઇરાકી અર્ધલશ્કરી જૂથ છે જે મોટાભાગે શિયા ઈરાન દ્વારા સમર્થિત છે. PMU સ્થાનિક વહીવટીતંત્ર સાથે જોડાયેલું છે અને ઈરાનના શિયાઓ સાથે મજબૂત સંબંધો ધરાવે છે જેઓ લાંબા સમયથી ઈરાકી રાજકારણ પર પ્રભુત્વ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આ વિસ્ફોટો એવા સમયે થયા છે, જ્યારે ઈઝરાયેલ 7 ઓક્ટોબરના હુમલાના જવાબમાં ગાઝામાં હમાસ સામે લડી રહ્યું છે. કહેવાય છે કે, ઈઝરાયલ પરના હુમલા પાછળ ક્યાંકને ક્યાંક ઈરાનનો હાથ હતો. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે આ મહિને થયેલા શ્રેણીબદ્ધ હુમલાઓએ ચાલી રહેલા ગુપ્ત યુદ્ધનો પર્દાફાશ કર્યો છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ
દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈરાનની સેનાના બે ટોચના કમાન્ડર સહિત સાત લોકો માર્યા ગયા હતા. ઈરાને આ હુમલા માટે ઈઝરાયલ પર આરોપ લગાવ્યો હતો. ઈરાને ચેતવણી આપી હતી કે, જો ઈઝરાયલ તેમના પર હુમલો કરશે તો તેઓ વધુ તાકાતથી વળતો પ્રહાર કરશે. આ પછી ઈરાને તાજેતરમાં ઈઝરાયેલ પર 300 થી વધુ મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. જો કે, આ મિસાઇલો અને ડ્રોન ઇઝરાયલના એર ડિફેન્સમાં પ્રવેશી શક્યા નથી. તે જ સમયે, તાજેતરમાં ઇઝરાયેલે જવાબી કાર્યવાહી કરી હતી.