May 3, 2024

યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજી-રૂક્ષ્મણીજીના લગ્નોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી

ધર્મેશ ઉપાધ્યાય, દેવભૂમિ દ્વારકાઃ દ્વારકાના ભગવાન દ્વારકાધીશ મંદિરે આજે રૂક્ષ્મણી વિવાહ ઉત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. જેની મોટી સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો હતો. યાત્રાધામ દ્વારકામાં શરૂ થયેલા દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે સાંજીના ગીત તથા સંગીત સંધ્યા યોજાઈ હતી.

બીજા દિવસે સવારે રૂક્ષ્મણીજી મંદિરે ગણેશજીની સ્થાપના બાદ ગ્રહશાંતિ અગિયારીની વિધિ બાદ રૂક્ષ્મણી માતાજીની આરતી સમયે છપ્પનભોગનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો હતા. દ્વારકા જગતમંદિરે પણ શ્રૃંગાર આરતી સમયે શ્રીજીને છપ્પનભોગ મનોરથ દર્શન યોજવામાં આવ્યા હતા. જેનો બહોળી સંખ્યામાં સ્થાનિકો તથા બહારગામથી આવેલા ભાવિકોએ દર્શનો લાભ લીધો હતો. દ્વારકાધીશ જગતમંદિરેથી દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીના વામન સ્વરૂપનો વરધોડો રાજસવારી સાથે વાજતેગાજતે નીકળી શહેરના વિવિધ માર્ગ પર પૂજારી પરિવાર દ્વારા કાઢવામાં આવ્યો હતો.

ભગવાન દ્વારકાધીશજી અને રૂક્ષ્મણીજીના લગ્નવિધિથી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું.યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરથી ત્રણ કિમી દૂર આવેલા ભગવાનના મુખ્ય પટરાણી રૂક્ષ્મણી માતાજીના મંદિરના પટાંગણમાં સાંજે ભગવાન દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીના લગ્નોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ભગવાની લગ્નવિધિ કરવામાં આવી હતી. રૂક્ષ્મણી મંદિર પટાંગણમાં કુદરતી વાતાવરણમાં તીર્થ પંડિતો દ્વારા શ્લોકચ્ચારથી ભગવાનની લગ્નવિધિથી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું.