November 14, 2024

કચ્છ લોકસભા બેઠકઃ ભાજપે વિનોદ ચાવડાને તો કોંગ્રેસે નીતિશ લાલનને મેદાને ઉતાર્યા

નીતિન ગરવા, ભૂજઃ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યાં છે. ગુજરાતમાં ઇલેક્શનનો માહોલ જામી ગયો છે. ત્યારે કચ્છ લોકસભા બેઠક વિશે વાત કરીએ તો, અહીંથી ભાજપે બે ટર્મથી સાંસદ રહેલા વિનોદ ચાવડાને ટિકિટ આપી રિપિટ કર્યા છે. તો કોંગ્રેસે નીતિશ લાલનને મેદાને ઉતાર્યા છે. આવો વાત કરીએ આ બંને ઉમેદવારની પ્રોફાઇલ વિશે…

ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની પ્રોફાઈલ
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે કચ્છ-મોરબી લોકસભા બેઠક માટે ભાજપે ફરી એકવાર યુવા સાંસદ વિનોદ ચાવડા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે અને સતત ત્રીજી વાર કચ્છ લોકસભા બેઠક માટે તેમને ટિકિટ ફાળવવામાં આવી છે. કચ્છ લોકસભા બેઠકના સાંસદ વિનોદ ચાવડાનો જન્મ 6 માર્ચ 1979ના રોજ કચ્છના નખત્રાણા તાલુકાના લક્ષ્મીપરમાં થયો હતો. વિનોદ ચાવડાના પિતાનું નામ લખમશી છે, જ્યારે માતાનું નામ રસીલાબેન છે. વિનોદ ચાવડાના પત્નીનું નામ સાવિત્રી બેન છે અને સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે. વિનોદ ચાવડાએ એલએલબી, બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભુજની લાલન કોલેજ, જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ અને એસ.ડી.સેઠિયા કોલેજ, કચ્છ ખાતેથી શિક્ષણ મેળવ્યું છે.

વિનોદ ચાવડાની રાજકીય સફરની વાત કરવામાં આવે તો, વર્ષ 2010માં જિલ્લા પંચાયતથી પોતાની રાજકીય સફર પ્રારંભ કરી હતી અને વ્યવસાયે વિનોદ ચાવડા એડવોકેટ છે. વર્ષ 2014માં એસસી અનામત કચ્છ-મોરબી લોકસભા બેઠક પર તેમને ભાજપ તરફથી ટિકિટ મળ્યા બાદ વર્ષ 2014માં કોંગ્રેસના દિનેશ પરમાર ભાજપના વિનોદ ચાવડા સામે 2,54,482 મતથી હરી ગયા હતા.વર્ષ 2019માં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી પણ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે 3,05,513 મતથી હારી ગયા હતા.

કચ્છની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિનોદભાઈ ચાવડાને મજબૂત નેતા માનવામાં આવે છે. તેઓ છેલ્લી બે ટર્મથી સતત સાંસદ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને પાર્ટીએ ફરી વિશ્વાસ મૂકીને ત્રીજી વાર બેઠક પર ચૂંટણી લડવા માટે ટિકિટ ફાળવી છે.આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી માટે અન્ય રાજ્યોમાં પણ તેઓને જવાબદારીઓ અનેકવાર સોંપવામાં આવી છે.

સામાન્ય રીતે રાજકારણમાં જોવા જઈએ તો રાજકારણીઓ ઓછું ભણેલા હોવાની માન્યતા હોય છે. પરંતુ કચ્છના વર્તમાન સાંસદ એમએ, બીએડ્ અને સ્પેશિયલ એલએલબીની ડિગ્રી ધરાવે છે. તેમજ તેમના પર આજ સુધી એક પણ ફોજદારી ગુનો નોંધાયો નથી કે કોર્ટ કેસ ચાલતો નથી. આમ તેઓ નિર્વિવાદિત થયા છે.હાલમાં તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તેમજ દર વર્ષે સરહદ પર ફરજ બજાવતા દેશના સૈનિકોની રક્ષાબંધન અને દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાત લેતા હોય છે અને ઉજવણી કરતા હોય છે.

આ ઉપરાંત સમુહલગ્નોના આયોજનમાં પણ તેઓ સક્રિય હોય છે. પૂર્વ કચ્છ વિસ્તારના ભચાઉના દિવ્યાંગજનો માટે સહાયક ઉપકરણોના નિ:શુલ્ક વિતરણ કેમ્પ, તેમજ કચ્છના રેલ્વે તેમજ એરપોર્ટના પ્રશ્નો અંગે રજૂઆત, વખતોવખત રક્તદાન કેમ્પ, પોતાની ગ્રાન્ટ હેઠળ વિવિધ વિકાસકામો, તેમજ નર્મદાના પાણી મુદ્દે તેમજ કમોસમી વરસાદમાં ખેડૂતો પડખે ઉભા રહેવા સહિતની કામગીરીઓ તેમણે કરી છે. તો હાલમાં જ કચ્છમાં આવેલા બિપરજોય વાવાઝોડા સમયે તેમને ખૂબ સરાહનીય કામગરી કરી હતી અને આયોજનબદ્ધ પરિસ્થતિને નિયંત્રણમાં રાખી હતી.

વિનોદ ચાવડાના રાજકીય હોદ્દાઓની વાત કરવામાં આવે તો વર્ષ 2010માં કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. તો વર્ષ 2014માં તેઓ એસ.કે.વર્મા યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. વર્ષ 2014માં 16મી લોકસભા માટે ચૂંટાયા બાદ તેઓ પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ પરની સ્થાયી સમિતિનાં સભ્ય પણ બન્યા હતા. તો વર્ષ 2014માં 12 નવેમ્બરથી 25 મે 2019 સુધી તેઓ પુસ્તકાલય સમિતિ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.

વર્ષ 2019માં લોકસભા બેઠક પર ફરી ચૂંટાયા બાદ તેમની બીજી ટર્મ શરૂ થઈ હતી. જેમાં તેઓ કર્મચારી, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય અંગેની સ્થાયી સમિતિના સભ્ય, સંયુક્ત સમિતિ ઓન ઓફિસ ઓફ પ્રોફિટ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના કાર્યકરથી રાજકીય કારકિર્દી શરૂ કરનારા અને બે વખત સાંસદ બનેલા વિનોદ ચાવડાને ભાજપે પક્ષમાં પણ મહત્વનું સ્થાન આપ્યું હતું અને તેમને ગુજરાત રાજ્યના પ્રદેશ મહામંત્રીનો હોદ્દો સોંપવામાં આવ્યો હતો.

ભાજપના પ્રદેશ માળખામાં પ્રથમ વખત કચ્છને મહત્વનું સ્થાન મળ્યું છે. તેમના બે ટર્મ સાંસદ તરીકેના કાર્યકાળમાં અને સંચાલનમાં કચ્છની તમામ વિધાનસભા બેઠકો, તમામ નગર પાલિકા, દસે-દસ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપને સફળતા મળી છે અને કચ્છ કોંગ્રેસમુક્ત બન્યું છે. તેમજ સંગઠન પણ મજબૂત બનતા તેની નોંધ ભાજપ પક્ષના ઉપરના સ્તર સુધી લેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છના સાંસદ વિનોદ ચાવડાની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સહ પ્રભારી તરીકે નિમણૂંક પણ કરવામાં આવી હતી. પંજાબ વિધાનસભા ચુંટણી સમયે તેમના દ્વારા પંજાબમાં પ્રચાર કરી ભાજપની જ્વલંત જીત માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. હાલના સાંસદ વિનોદ ચાવડા સરળ અને સૌમ્ય સ્વભાવના છે અને લોકોનાં પ્રશ્નોનો હલ લાવવા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. જેના કારણે સાંસદએ લોકો વચ્ચે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. હાલ 2024માં આવનારી લોકસભામાં ફરીથી ટીકીટ મળતા તેઓ જીતની હેટ્રિક મારી શકે છે.

કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલનની પ્રોફાઈલ
કચ્છ લોકસભા ચુંટણીને લઇને કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં કચ્છ લોકસભા બેઠક માટે નિતેશ લાલનના નામની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા પૂર્વ કચ્છના યુથ કોગ્રેસના પ્રમુખને ઉમેદવાર તરીકે કોંગ્રેસે મેદાને ઉતાર્યો છે. નિતેશ લાલનનો જન્મ 2 સપ્ટેમ્બર 1993ના રોજ થયેલો છે. તેમના પિતાનું નામ પરબતભાઈ લાલન અને માતાનું નામ ધનબાઈ લાલન છે. તેમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી સેકન્ડ યર ઇકોનોમિક્સ સબ્જેક્ટ સુધી અભ્યાસ કર્યો છે અને હાલમાં તેમનો શિપિંગ અને લોજિસ્ટિકનો ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ગાંધીધામ ખાતે બિઝનેસ છે.

નિતેશ લાલન વર્ષ 2012થી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સભ્ય તરીકે સક્રિય છે. હાલમાં તેઓ પૂર્વ કચ્છ જિલ્લાના ઇન્ડિયન યુથ કોંગ્રેસના પ્રમુખ છે, તો અગાઉ તેઓ ગાંધીધામ એસેમ્બલી ઇન્ડિયન યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમના સામાજિક મુદ્દાની વાત કરવામાં આવે તો સતત પાંચ વર્ષથી તેઓ મહેશ્વરી મેઘવાર સમાજના નવજીવન સોસાયટી સેક્ટર 7ના પ્રમુખ તરીકે કાર્યરત છે, તો આ અગાઉ ગાંધીધામ કોમ્પ્લેક્સના મહેશ્વરી મેઘવાળ સમાજના તેઓ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.

તેમના રાજકીય અનુભવ અંગે વાત કરવામાં આવે તો લોકસભા, એસેમ્બલી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાના ચૂંટણીમાં તેઓ સક્રિય કાર્યકર તરીકે અનુભવ ધરાવે છે. આ ઉપરાંત તેઓ ગ્રાઉન્ડ લેવલે પોલિંગ એજન્ટ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે તો ચૂંટણી દરમિયાન બૂથ મેનેજમેન્ટનો પણ તેમને અનુભવ છે.

યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે તેમના ફાળાની વાત કરવામાં આવે તો ગાંધીધામ વિધાનસભા વિસ્તાર માટેની પ્રાથમિક સવલતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી માટે લડત ચલાવી છે. તો ગરીબ અને ઘરવિહોણા લોકો માટે પણ અનેકવાર રજૂઆતો કરી છે. બેરોજગાર લોકો માટે પણ તેમણે આવા જ ઉપાડ્યો છે તો વિદ્યાર્થીઓના હકો માટે પણ તેમણે લડત ચડાવી છે. ડ્રગ્સની વિરુદ્ધ પણ તેમણે અનેકવાર રજૂઆત કરી છે.

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ભાજપે કચ્છ લોકસભા ઉમેદવાર તરીકે સતત ત્રીજી વખત વિનોદ ચાવડાને રિપીટ કર્યા છે, તો કોંગ્રેસે નવા યુવા ચહેરા તરીકે નિતેશ લાલનને ટિકિટ આપી છે. બંને ઉમેદવારોએ પ્રચારનું રણશિંગુ ફૂંકી દીધો છે. કચ્છ લોકસભા સીટ પર કચ્છની 6 વિધાનસભા બેઠક અને મોરબીની 1 વિધાનસભા બેઠક મળીને કુલ 7 વિધાનસભા બેઠકો આવે છે. તેમાં અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ, રાપર અને મોરબી. આ સાતેય વિધાનસભા સીટ પર પણ ભાજપ પાર્ટીના જ ધારાસભ્ય ચૂંટાયેલા છે. જેમાં કુલ 2139 મથકો આવેલા છે. 19,35,338 મતદારો જેમાં યુવા મતદારો 43049 છે.

કચ્છ લોકસભા બેઠક પર જ્ઞાતિ સમીકરણની વાત કરવામાં આવે તો ક્ષત્રિય, લોહાણા, મુસ્લિમ, આહિર, જૈન, પાટીદાર, સિંધી, વાણિયા, બ્રાહ્મણ, ગઢવી, માલધારી, દલિત આ બધી જ્ઞાતિઓના મતદારો નોંધપાત્ર સંખ્યામાં છે. જેમાં દલિત અને મુસ્લિમ મતદારોની સંખ્યા વધુ છે. કચ્છ-મોરબી લોકસભા અનામત સીટ પર લગભગ 2.50 લાખ જેટલા મતદારો અનુસચિત જાતિના છે. અનુસૂચિત જાતિ અનામત સીટ હોવાથી હાર અને જીતનો દારોમદાર દલિત સમુદાય પર રહેતો હોય છે.

કચ્છ-મોરબી લોકસભા સીટ પર છેલ્લા 1996થી ભાજપનો ભગવો લહેરતો આવ્યો છે. જેમાં છેલ્લા બે ટર્મથી જંગી લીડ સાથે વિનોદ ચાવડા ચૂંટાઈ આવે છે. કોંગ્રેસે આ વખતે યુવા ચહેરા તરીકે નિતેશ લાલનને ઉતાર્યા છે. ત્યારે હવે મતદારો ક્યા ઉમેદવારને ચૂંટીને સંસદમાં મોકલશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.