November 16, 2024

બે પૂર્વ ખેલાડીઓની યાદમાં ટુર્નામેન્ટનું આયોજન, સૌરાષ્ટ્રની 64 ટીમ જોડાઈ

સંજય વાઘેલા, જામનગર: જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા જામનગરના બે પૂર્વ રણજી ક્રિકેટરોને અંજલિ આપવા આજથી 40-40 ઓવરના વન-ડેની નોક-આઉટ ટુર્નામેન્ટનો આરંભ થયો હતો. આ ટુર્નામેન્ટમાં સિનિયરો અને અંડર-14ના ખેલાડીઓની કુલ 64 મેચો અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન ક્રિકેટ બગલો ખાતે રમાશે.

બે પુર્વ રણજી ક્રિકેટરોને અંજલિ અપાઈ
એક સમયે કપીલદેવ સમકક્ષ ગણાતા રણજીટ્રોફીમા તરખાટ મચાવનારા ફાસ્ટ બોલર રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરોનાના કાતિલ મોજામાં નિધન થયું હતું. આ જ રીતે ટેસ્ટ ક્રિકેટર સલીમ દુરાનીના નાનપણથી અંત સમય સુધીના ગાઢ મિત્ર એવા રણજી ખેલાડી વામનભાઈ જાનીનુ ગત વર્ષે નિધન થયા બાદ જામનગરના આ બને પુર્વ રણજી ખેલાડીઓને ક્રિકેટ જગત દ્વારા અંજલિ આપવા માટે સિનિયર ક્રિકેટરો માટે રાજેન્દ્રસિંહ જાડેજા કપ અને અંડર-14ના ખેલાડીઓ માટે વામન જાની કપનું આયોજન જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં જામનગર સહિત સૌરાષ્ટ્રની 49 ટીમોએ રાજેન્દ્રસિંહ કપમા અને 15 ટીમોએ વામન જાની કપમાં ભાગ લીધો છે.

આ ટુનામેન્ટનો આજે વાજતે-ગાજતે બેન્ડબાજા અને ફુલો સાથે ઉત્સાહ સાથે પ્રારંભ કરવામાં આવ્યો. ઉદ્ઘાટન સમારોહ વેળાએ બંને પુર્વ રણજી ખેલાડીઓના પરિવારજનોને પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતી. આ ટુર્નામેન્ટમાં રાજકોટ, ભાવનગર, જુનાગઢ, વડોદરા, જામનગર, મોરબી, દ્રારકા, સિક્કા, સહીતના શહેરમાથી ટીમએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટ આગામી બે માસ જેટલો સમય ચાલુ રહેશે. ઉલ્લેખનિય છે કે, જામનગરના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની રણજી ટ્રોફી, દૂલીપ ટ્રોફી તો નિયમિત રમાય છે. જે બાદ હવે બે પુર્વ રણજી ખેલાડીઓની ટ્રોફી રમાશે. જે દર વર્ષે રમાય તે માટેનુ આયોજન જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામા આવ્યુ છે.

આ પણ વાંચો: ‘કોંગ્રેસના ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ છે’, પીએમ મોદીએ કેમ કહ્યું આવું?

આ ટુર્નામેન્ટનો શુભારંભ પુર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજાએ કરાવ્યો. આ સાથે પુર્વ રણજી ટ્રોફીના ખેલાડી વામન જાની અને રાજેન્દ્રસિંહ જાડેજાના પરિવારજનોએ ખાસ હાજરી આપી અને ખુશી વ્યકત કરી હતી. સ્વ. રાજેન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની યાશિકાકુમારી જાડેજા તેમજ પુત્રી-જમાઈ સાથે વામન જાનીના પરિવારના હિમાંશુ જાની સહિતના પરિવારજનોએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે નિલેશ ઉદાણી, કોર્પોરેટ જયરાજસિંહ જાડેજા, જામનગર ડ્રિસ્ટ્રીકટ ક્રિકેટ એશોસિયેશનના પ્રમુખ અજયભાઈ સ્વાદીયા, ઉપપ્રમુખ વિનુભાઈ ધ્રુવ, જોઈન્ટ સેક્રેટરી ભરતસિંહ જાડેજા, કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ તથા સમગ્ર ટુર્નામેન્ટના પ્રોજેકટ ચેરમેન કશ્યપ મહેતા, ટુર્નામેન્ટના કોર્ડિનેટર ભરત મથ્થર, કમિટીના સભ્ય નરેન્દ્ર કણઝારીયા સહીતના ક્રિકેટપ્રેમીઓ અને વાલીઓની હાજરીમાં ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવી હતી. પ્રથમ મેચ મહાદેવ એ અને મહાદેવ-11 વચ્ચે રમાયો. જેમા મહાદેવ-11એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.