Meesho અને Shopsyને ટક્કર મારવા આવ્યું Amazonનું ‘Bazaar’
Amazon Bazaar: ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશોની સફળતાથી ઉત્સાહિત થઈને એમેઝોન પણ હવે આ રેસમાં આવી ગયું છે. એમેઝોન બજાર નામથી એક એપ લોન્ચ કરી છે. જેના પર તમને ઓછી કિંમતમાં અને કોઈ બ્રાન્ડ વિનાનાં કપડાં અને લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ મળશે. છેલ્લા કેટલાક વર્ષોથી મીશોએ પોતાની રાજનીતિથી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મોટી કંપનીઓને મોટું નુકસાન પહોંડ્યું છે. આ સાથે સોફ્ટ બેંક દ્વારા મીશો ભારતમાં સૌથી વધારે અને ઝડપથી વધી રહેલું ઈ-કોમર્સ બની ગયું છે.
600 રૂપિયાથી ઓછી કિંમતનો સામાન વેચવામાં આવશે
અત્યાર સુધી એમેઝોન મેટ્રો શહેરો અને ટાયર 1 શહેરોમાં તેનો બિઝનેસ વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું. 600 રૂપિયા અને તેનાથી ઓછી કિંમતનો સામાન એમેઝોન બજાર દ્વારા ઈ-કોમર્સ સાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. એમેઝોન બજાર દ્વારા કંપની દેશના નાના શહેરોમાં પણ પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. મીશો હાલમાં ઈ-કોમર્સ ક્ષેત્રમાં નાની ખરીદી કરનારાઓ માટે પ્રથમ પસંદગી બની ગઈ છે. તેના કારણે એમેઝોન જેવા મોટા ખેલાડીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
ફ્લિપકાર્ટની શોપ્સીને પણ ટક્કર
આ સિવાય એમેઝોન બજાર ફ્લિપકાર્ટની શોપ્સી સાથે પણ સ્પર્ધા કરશે. સસ્તા ઉત્પાદનો વેચવા માટે ફ્લિપકાર્ટ શોપ્સી પણ શરૂ કરવામાં આવી છે. તે 600 રૂપિયાથી ઓછી કિંમતના અનબ્રાંડેડ કપડાં, શૂઝ, જ્વેલરી અને લગેજનું વેચાણ કરશે. કંપનીએ આ અંગે વેપારીઓને જાણ કરી છે.
વેપારીઓને ઝીરો રેફરલ ફીની સુવિધા મળશે
એમેઝોનના પ્રવક્તાએ મની કંટ્રોલને જણાવ્યું કે, અમે ગ્રાહકોને સુવિધા આપવા માટે સતત પગલાં લઈ રહ્યા છીએ. એટલા માટે અમે એમેઝોન બજાર શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગ્રાહકો આ પ્લેટફોર્મ પર ખૂબ જ સસ્તો સામાન ખરીદી શકશે. તેનાથી દેશમાં ઉત્પાદિત ઉત્પાદનોને ફાયદો થશે. એમેઝોન આ પ્લેટફોર્મ પર વેપારીઓને શૂન્ય રેફરલ ફીની સુવિધા પણ આપી રહ્યું છે. જેના કારણે તેમને સસ્તો માલ વેચવામાં મદદ મળશે. નોંધનીય છેકે, ડિસેમ્બર 2023માં એમેઝોનના યુઝર ગ્રોથ માત્ર 13 ટકા હતા. બીજી તરફ મીશોનું પ્રદર્શન ટિયર 2 અને ટાયર 3 શહેરોમાં શાનદાર રહ્યું હતું.