January 13, 2025

CM અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો

Arvind Kejriwal Arrest: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. કેજરીવાલે લિકર પોલિસી કેસમાં તેમની ધરપકડ અને પીએમએલએ કોર્ટના રિમાન્ડના આદેશને પડકાર્યો છે. આ કેસમાં અરવિંદ કેજરીવાલની દલીલ એવી છે કે તેમની ધરપકડ અને રિમાન્ડના આદેશ બંને ગેરકાયદેસર છે અને તેઓ તાત્કાલિક કસ્ટડીમાંથી મુક્ત થવાને પાત્ર છે.  કેજરીવાલ દ્વારા ચીફ જસ્ટિસ પાસેથી રવિવાર (24 માર્ચ) સુધી તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: દિલ્હીમાં AAPની ઓફિસ ‘સીલ’, આતિશીએ કહ્યું, ચૂંટણી પંચ સમક્ષ મામલો ઉઠાવીશું

સીએમ પદેથી હટાવવાની અરજી દાખલ
બીજી બાજુ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ સુરજીત સિંહ યાદવે 22 માર્ચે દિલ્હી હાઈકોર્ટમાં PIL દાખલ કરીને તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની વિનંતી કરી હતી. તે અરજીમાં એવી વિનંતી કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારના મુખ્ય સચિવ, દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નરને એ કહેવામાં આવે કે કેજરીવાલ કઈ સત્તા હેઠળ મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા છે. અરજદારે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની પણ વિનંતી કરી હતી.

નોંધનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બે કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ કેજરીવાલને શુક્રવારે (22 માર્ચ)ના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે અરવિંદ કેજરીવાલને 6 દિવસ માટે ED રિમાન્ડ પર મોકલ્યા હતા.

અરવિંદ કેજરીવાલે કહ્યું, જલ્દી પરત આવીશ
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની પત્ની સુનીતાએ શનિવારે પહેલીવાર એક સંદેશ વાંચ્યો જેમાં દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમના જીવનની દરેક ક્ષણ દેશની સેવા માટે સમર્પિત છે. ED કસ્ટડીમાંથી એક સંદેશ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈ પણ જેલ તેમને અંદર ન રાખી શકે અને તેઓ જલ્દી પાછા આવશે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (22 માર્ચ) સુપ્રીમ કોર્ટમાંથી EDની ધરપકડને પડકારતી અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી. બીજી બાજુ અરવિંદ કેજરીવાલનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જસ્ટિસ સંજીવ ખન્નાને કહ્યું હતું કે તેઓ ટ્રાયલ કોર્ટમાં દલીલ કરશે.