December 19, 2024

20 વર્ષે હત્યારો ઝડપાયો, 2004માં પત્નીનું માથું કાપી હત્યા કરી હતી

surat crime branch arrested accused after 20 years

આરોપીને 20 વર્ષે ઝડપી પાડ્યો હતો.

સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં 2004માં એક મહિલાની માથું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે તપાસ કરી હતી. જેમાં એક આરોપી 20 વર્ષે ઝડપાયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે યુપીથી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમાં ચકચારીત મહિલા હત્યા મામલે પોલીસને 20 વર્ષે આરોપી મળ્યો છે. આ આરોપી 2004માં હત્યા કરી વતન નાસી છૂટ્યો હતો. અનેક વખત પોલીસ તપાસ માટે ગઈ હતી, છતાં પોલીસને હાથતાળી આપી નાસી જતો હતો.

બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે કરી કાર્યવાહી
ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, કાપોદ્રામાં વર્ષ 2004માં થયેલા ચકચારી મર્ડર કેસના વોન્ટેડ આરોપી યુપીમાં અયોધ્યા જિલ્લાના બદનપુરમાં છે. જેથી પોલીસ અયોધ્યા જિલ્લાના બદનપુર ગઈ હતી અને વિજય બહાદુર ઉર્ફે પપ્પુ રામકુમાર ચૌહાણને પકડી પાડયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2004માં આરોપી વિજય તેના દૂરના મામા રામસજીવન ચૌહાણ અને તેમની પત્ની રામવતી સાથે પુણાગામમાં વલ્લભનગરમાં ભાડેથી રહેતો હતો. તે સમયે મામા રામસજીવનને તેમની પત્ની રામવતીના ચારિત્ર્ય પર શંકા ઉપજી હતી. જેથી રામસજીવને દૂરના ભાણેજ સાથે મળી હત્યાનો કારસો ઘડ્યો હતો. રામસજીવન તેની પત્નીને બહાર ફરવા લઈ જવાના બહાને પુણા નહેર પાસે – એક ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં પહેલેથી જ વિજય અને રત્નાકર સંતોષ હાજર હતા.

માથું કાપીને પુણા નહેરમાં ફેંકી દીધું
આ બંનેએ રામવતીના હાથ- પગ પકડી રાખ્યા હતા. વિજયે ચપ્પુ વડે રામવતીનું ગળું કાપી નાંખી તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું. ત્યારબાદ તેના શરીર પરના કપડાં કાઢી નાંખી માથું કપડામાં વીંટાળી તેઓ ચાલ્યા ગયા હતા. લાશની ઓળખાય નહીં એ માટે વિજયે માથું પુણા નહેરમાં ફેંકી દીધું હતું. હત્યા બાદ વતન ભાગી ગયો હતો. ક્રાઈમ બ્રાંચને 20 વર્ષે વિજયને પકડવામાં સફળતા મળી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.