November 18, 2024

દ્વારકામાં વધુ એકવાર નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો, બેની ધરપકડ

DWARKA - NEWSCAPITAL

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાંથી ફરી એકવાર મોટા પ્રમાણમાં કફસીરપનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ રાજ્યમાં ડ્રગ્સ અને નશાખોરીને લઈને કેટલાક સવાલ કર્યા હતા. જેનો જવાબ આપતા સરકારે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5 હજાર 338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું, જેમાં દ્વારકાનું નામ સૌથી વધુ ચર્ચાયુ હતું.

મળતી માહિતી મુજબ, દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાળથર ગામમાં રહેણાંક મકાનમાં આયુર્વેદિક સીરપની આડમાં નશાકારક સીરપનો વેપલો થતો હોવાનું સામે આવ્યું છે. દ્વારકા પોલીસે નશાકારક સીરપનું વેચાણ કરતા બે શખ્સો નારણ કેશવ જામ અને કાના પરબત કેશરીયાની ધરપકડ કરી છે. પોલીસને બંને સ્થળોએથી રૂ.5 લાખની કિંમતની 3900 નશાકારક સીરપની બોટલ મળી આવી છે. પોલીસે નશાકારક સીરપને FSLમાં મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : આજથી રાજ્યમાં ઠંડીનો ચમકારો, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શકયતા

છેલ્લા બે વર્ષમાં દ્વારકામાંથી જ રૂ. 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયુ હતું
હજુ ગઈકાલે જ સરકારે ગૃહમાં સ્વીકાર્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5 હજાર 338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયુ છે જેમાં દ્વારકામાંથી જ રૂ. 1 લાખ 76 હજારનું કુલ 17 ગ્રામ 650 મિલી MD ડ્રગ્સ ઝડપાયુ હતું. વધુમાં સરકારે સ્વીકાર્યું હતું કે, દ્વારકામાંથી કુલ રૂ. 2 લાખ 40 હજાર 254ની કિંમતના કફ સીરપના 1622 નંગ ઝડપ્યા હતા સાથે જ 15 લોકોની ધરપકડ કરી હતી. ત્યારે દ્વારકાની વધુ એક ઘટના પ્રકાશમાં આવતા અનેક સવાલો થઈ રહ્યા છે.

ખેડામાં કફસીરપે લીધો હતો ઘણાંનો ભોગ
આ પહેલાં ખેડામાં આયુર્વેદિક કફસીરપ પીવાને કારણે 5થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ રાજ્યમાં તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. છતાં ઘણાં મેડિકલ સ્ટોર પર પ્રસ્ક્રિપ્શન વગર આ પ્રકારના નશાકારક સીરપનું વેચાણ યથાવત્ છે.