January 13, 2025

12 હત્યા કરનારા તાંત્રિક અંગે મોટા ખુલાસા, પોલીસે દાટેલી લાશનાં ટુકડાં કાઢ્યાં

મિહિર સોની, અમદાવાદઃ એકના ચાર ગણા કરી આપવાની લાલચ આપીને તાંત્રિક વિધિના બહાને ભુવાએ લોકોને સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દેવાના કિસ્સામાં પોલીસ તપાસ દરમિયાન એકપછી એક ખુલાસા થઇ રહ્યાં છે. પોલીસ તપાસમાં ભુવાએ કુલ 12 લોકોની હત્યા કરી હોવાનું સામે આવતા હવે પોલીસે એકપછી એક કિસ્સાની તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસને કેટલાક મહત્વના પુરાવા હાથ લાગ્યા છે.

સરખેજ પોલીસે આરોપી ભુવા નવસસિંહ ચાવડાની પૂછપરછ દરમિયાન પોલીસને મળેલી માહિતી અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં નવલસિંહે કુલ 12 મર્ડર કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક યુવતી નગ્માની પણ હત્યા નવલસિંહએ કરી હતી. નગ્માનો પરિવાર પારિવારિક સમસ્યાને લઇને નવલસિંહ પાસે આવતો હતો. જે દરમિયાન નગ્માને નવલસિંહ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જો કે, નગ્મા લગ્ન કરવા માટે દબાણ કરતી હોવાથી નવલસિંહએ નગ્માને વઢવાણ તેના ઘરે બોલાવી હતી. તેની હત્યા કરી દીધી હતી. બાદમાં તેના મૃતદેહનાં ટુકડાં કરીને બેગમાં ભરી વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે મૃતદેહને દાટી દીધો હતો. પોલીસને જાણ થતાં પોલીસએ એસડીએમની હાજરીમાં ખોદકામ કરીને કેટલાક અવશેષો શોધી કાઢ્યાં છે. જો કે, આ સિવાય વાત કરીએ તો કાદર અલી, તેના પુત્ર અને પત્નીનો મૃતદેહ એક રીક્ષામાંથી મળી આવ્યો હતો. જેમાંથી પોલીસે એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જ્યારે પોલીસે નવલસિંહની ધરપકડ કરી ત્યારબાદ પણ તેની ગાડીમાંથી આ જ શબ્દો સાથેની બીજી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેથી પોલીસને આશંકા છે કે આ સ્યુસાઇડ નોટ પણ આરોપી નવલસિંહએ જ લખી છે.

સુરેન્દ્રનગર ખાતે રહેતા દિપેશ પાટડીયાનો પરિવાર પણ તાંત્રિક વિદ્યા માટે અવારનવાર આ ભુવા પાસે આવતો હોવાથી ભુવાએ પૈસા અને ઘરેણાં પડાવી લીધા બાદ તાંત્રિક વિધી કરવાના બહાને સોડીયમ નાઇટ્રેટ પાવડર પીવડાવીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે અસલાલીના વિવેક ગોહિલની પણ હત્યા નવલસિંહે કરી હતી. વિવેક પાસેથી દોઢથી અઢી લાખ પડાવ્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ રૂપિયા ઘરે લઈ ગયા બાદ જાદુઈ વિદ્યાથી પોતે દોઢેક લાખ રૂપિયા લઈ આવ્યો હોવાનું તેના પરિવારજનોને જણાવ્યું હતું. જ્યારે અંજારના રાજ બાવાજી સાથે તેને ઝઘડો થતાં અદાવત રાખીને તેને પણ ચામાં સોડીયમ નાઇટ્રેટ પીવડાવી તેની હત્યા કરી દીધી હતી.

આમ એકપછી એક કિસ્સાઓમાં પોલીસની ટીમ ઝીણવટભરી તપાસ કરી રહી છે. જો કે, તપાસ દરમિયાન પોલીસને કેટલાક મહત્વના પુરાવા અને વિગતો મળી આવી છે. જો કે, આરોપીની સાથે અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતો કે કેમ તે અંગે પણ પોલીસએ વધુ તપાસ શરૂ છે. જ્યારે નગ્માની હત્યા કર્યા બાદ તેના મૃતદેહનાં ટુકડાં કેવી રીતે કર્યાં અને ક્યાં કર્યા હતાં તે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.