January 13, 2025

સુરેન્દ્રનગરમાં ખેડૂતોને મોટાપાયે નુકસાન, સરકારે ઓછી સહાય ચૂકવી હોવાની રજૂઆત

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લાના ખેડૂતો સાથે સરવે ટીમ દ્વારા યોગ્ય રીતે સર્વે હાથ ધરવામાં નહીં આવતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હોવા છતાં સરકાર દ્વારા નજીકની રકમની સહાય ચૂકવવામાં આવી છે. જેને લઇ આજે સાયલા, ચોટીલા, થાન, ચૂડા સહિતના ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલી સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ અસાઈમાં ખેડૂતો સાથે સરવેની ટીમ દ્વારા યોગ્ય રીતે સરવે હાથ ધરવામાં નહીં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મોટાપાયે ખેડૂતોને નુકસાન થયું હોવા છતાં નજીવી રકમ આપી ખેડૂતો સાથે સરકાર મજાક કરતી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમુક ગામમાં હજારથી વધુ ખાતેદારો હોવા છતાં પાંચથી દસ લોકોને જ સહાય મળી છે.

ખોટા સર્વે કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેને લઈ આજે ચુડા, સાયલા, ચોટીલા, થાન તાલુકાના ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીને યોગ્ય સરવે કરી અને વળતર ખેડૂતોને ચુકવવામાં આવે તેવી માગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો ખેતીવાડી કચેરી ખાતે સૂત્રચાર અને બેનરો સાથે વિરોધ વ્યક્ત કરી રોષ ઠાલવ્યો હતો. જો તેમની માગ એક સપ્તાહમાં નહીં સંતોષાય તો ખેડૂતો દ્વારા ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે.