January 22, 2025

બાંગ્લાદેશે અગરતલામાં કોન્સ્યુલર સેવાઓ કરી બંધ, વિઝા સેવા પણ સ્થગિત

Bangladesh: બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો દિવસેને દિવસે કડવા બની રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધી રહેલા અત્યાચારને જોતા ભારતના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યા હતા. હવે ત્રિપુરાની રાજધાની અગરતલામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશને સુરક્ષા કારણોસર તેની તમામ સેવાઓને આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે.

પીટીઆઈના અહેવાલ મુજબ, હાઈ કમિશનના એક અધિકારીએ સેવાઓ બંધ કરવાની માહિતી આપી છે. બાંગ્લાદેશ દ્વારા આ પગલું પોતાના દેશમાં હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના વિરોધ બાદ ઉઠાવવામાં આવ્યું છે. કથિત રીતે કેટલાક લોકોના જૂથે અગરતલામાં બાંગ્લાદેશના સહાયક હાઈ કમિશનમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: તેલંગાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતા

બાંગ્લાદેશ મિશનના ફર્સ્ટ સેક્રેટરી, એમડી અલ અમીને જણાવ્યું હતું કે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, અગરતલા ખાતેના આસિસ્ટન્ટ હાઈ કમિશનના વિઝા સહિતની તમામ સેવાઓ આગામી આદેશો સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. અગરતલામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશનમાં કથિત બળજબરીપૂર્વક પ્રવેશ કરવા અંગે પોલીસે સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે અને કેસ નોંધ્યો છે. આ સાથે આ ઘટનામાં સંડોવાયેલા 7 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પછી પણ બાંગ્લાદેશ હાઈ કમિશને અગરતલામાં તેની સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.