October 28, 2024

યુદ્ધ દરમિયાન બાળક ટેડીબેરને ગળે લગાવે તેવી રંગોળી, અનોખો સંદેશ આપ્યો

જામનગરઃ છેલ્લા એક-બે વરસથી દુનિયાના કેટલાક ભાગોના દેશ યુદ્ધ જેવી ભીષણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બે દેશની વચ્ચેની સમસ્યાનો ભોગ હંમેશા સામાન્ય માણસ અને ખાસ કરીને બાળકો બની રહ્યા છે. તેમનું બાળપણ અને ભવિષ્ય ખતરામાં છે. જે સમગ્ર માનવજાત માટે શરમજનક છે.

યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે લગભગ 2000 બાળકો મૃત્યુ પામ્યા છે અને હજારો બાળકો બેઘર થયા છે. તથા ઈઝરાઈલ-ગાઝાના યુદ્ધમાં ઈઝરાયલના હુમલાના કારણે ચાલીસ હજારથી પણ વધારે લોકોએ જાન ગુમાવી છે. તેમાંથી 16,456 જેટલા ફક્ત બાળકો જ છે. લાખો બાળકો પોતાના પરિવારોથી વિખૂટા પડી ગયા છે, જેની પાસે રહેવા મટે ઘર પણ નથી. આ વિનાશની પ્રકિયા હજુ પણ અવિરત ચાલુ છે.

આ વર્ષે રંગોળીમાં યુદ્ધના કારણે ઇમારતો અને મકાનોના તૂટેલા ભાગોના કાટમાળની વચ્ચે એક છોકરી પ્રિય ટેડીબેરને ગળે લગાવીને જાણે રડતી આંખોથી પોતાની વેદના ઠાલવી સમાજને કંઈક પ્રશ્ન પૂછતી હોય તેવા ભાવનું આલેખન કરવામાં આવ્યું છે.

યુદ્ધ દરમિયાન ટેડી બેરને ગળે લગાવતી બાળકની આ રંગોળી નિર્દોષતા અને સંઘર્ષની નિર્દયતા વચ્ચેના શક્તિશાળી વિરોધાભાસને દર્શાવે છે. ટેડી બેર બાળપણ, સલામતી અને પ્રેમનું પ્રતીક છે, જ્યારે યુદ્ધ વિનાશ, ભય અને નુકસાનનું પ્રતિનિધિત્વ કરે છે. આ બે તત્વોનું સંયોજન યુદ્ધની વચ્ચે જીવતા અસુરક્ષિત બાળકોની વેદના અને દુઃખને રેખાંકિત કરે છે.

યુદ્ધની માનસિકતાથી ભરેલા આ ખતરનાક વિશ્વમાં પ્રેમ, લાગણી અને સલામતીની ભાવનાને વળગી રહેવા માટે ટેડી બેરનો એક પ્રતિક તરીકે ઉપયોગ રંગોળીમાં થયો છે. તે પ્રતિબિંબિત કરે છે કે કેવી રીતે બાળકો, યુદ્ધની વચ્ચે પણ પ્રેમ અને આશાના પ્રતીકોને પકડી રાખે છે. ઘણીવાર આસપાસની ભયાનકતાની સંપૂર્ણ તીવ્રતાથી નિર્દોષ બાળકો એકદમ અજાણ હોય છે.

મારી રંગોળી સમગ્ર માનવજાતિને કહેવાનો એક પ્રયાસ છે કે, યુદ્ધના વિનાશ અને તેના ડર અને આઘાતથી આપણે બધા આવનારી પેઢીને ઉગારવાનો પ્રયત્ન કરીએ અને એક એવી સુંદર દુનિયા બનાવીએ જ્યાં કોઈપણ બાળકથી એનું બાળપણ ન છીનવી શકે. આશરે પાંચ ફૂટ બાય ત્રણ ફૂટની આ રંગોળી સામાન્ય ચિરોડી રંગો દ્વારા લગભગ આઠ દિવસની જહેમત બાદ તૈયાર કરવામાં આવી છે.