January 23, 2025

CM સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી, હવે લોકાયુક્તના અધિકારીઓ કરશે કૌભાંડની તપાસ

MUDA Scam: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પહેલા સુપ્રીમ કોર્ટમાં ઝટકો મળ્યા બાદ હવે બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે પણ તપાસના આદેશો આપ્યા છે. કોર્ટે CM વિરુદ્ધ MUDA કૌભાંડ મામલે કર્ણાટકના લોકાયુક્તને સક્ષમ અધિકારીઓ દ્વારા તપાસ કરવાના આદેશો આપ્યા છે.

ત્રણ મહિનામાં રજૂ કરવામાં આવશે રિપોર્ટ
જણાવી દઈએ કે અરજદાર કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાએ એક ખાનગી ફરિયાદની સાથે જનપ્રતિનિધિઓ માટેની સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને લઈને કોર્ટે તપાસના આદેશો આપ્યા છે. કર્ણાટક લોકાયુક્તની મૈસૂર જિલ્લા પોલીસ MUDA કૌભાંડની તપાસ કરશે અને ત્રણ મહિનામાં રિપોર્ટ રજૂ કરશે.

લોકાયુક્ત તપાસ શરૂ થવાની જોવી પડશે રાહ
કૃષ્ણા તરફથી હાજર રહેલા એડવોકેટ લક્ષ્મી આયંગરે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘નિર્ણયથી ખૂબ જ ખુશ છું. હવે અમારે લોકાયુક્તની તપાસ શરૂ થાય તેની રાહ જોવાની છે. તેમની FIR દાખલ થવાની અને તપાસ શરૂ થવાની રાહ જોવાની છે. કોર્ટે લોકાયુક્તને આદેશ આપ્યો છે કે, જો તેઓ નિષ્પક્ષરીતે પોતાની ફરજ નિભાવે છે તો મને નથી લાગતું કે અમને ટ્રાન્સફરની માંગ કરવાની કોઈ જરૂર પડશે. પરંતુ જો લોકાયુક્ત પગલાં નહીં લે અને તે નિષ્પક્ષ નહીં લાગે તો અમે ચોક્કસપણે ટ્રાન્સફરની તપાસની માગણી સાથે કોર્ટમાં જઈશું. પરંતુ હાલના સમયે તો નહિ.’

અરજદારના વકીલ વસંત કુમારે કહ્યું કે આદેશ અનુસાર FIR દાખલ કરવાની છે. મૈસૂર લોકાયુક્તના અધિકાર ક્ષેત્રમાં FIR દાખલ કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ જેથી લોકાયુક્ત પારદર્શક રીતે તપાસ કરી શકે.

હું કોઈ વાતથી નથી ડરતો: સીએમ સિદ્ધારમૈયા
તો. MUDA કૌભાંડ મામલે એક બાદ એક ઝટકા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે કોર્ટના આદેશની કોપી હજુ સુધી મને નથી મળી. હું કેરળ જઈ રહ્યો છું. મને સાંજે કોર્ટના આદેશની નકલ મળી જશે. હું કોઈ પણ વાતથી નથી ડરતો. અમે તપાસનો સામનો કરવા માટે તૈયાર છીએ. હું કાયદેસર રીતે લડીશ.’