November 16, 2024

સુરેન્દ્રનગરમાં ઉદાસી આશ્રમ ખાતે 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગર: પાટડી ખાતે પૂ. જગાબાપા પ્રેરિત ઉદાસી આશ્રમમાં ત્રિદિવસીય મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. આ મહોત્સવ 20-21 અને 22 માર્ચના યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભજન,ભોજન અને ધર્મભક્તિ દ્વારા યોજાશે. જેમાં ભાવિકોને લાભ લેવા ગાદીપતિ પૂજ્ય ભાવેશ બાપુની સર્વે ધર્મપ્રેમી લોકોને જોડાવાનું જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

ઝાલા વાડના જોગી અને દુ:ખિયાના બેલી એવા પૂજ્ય જગાબાપાએ પાટડીને ધર્મભૂમિ બનાવી શિવ અને ગુરુ ભક્તિમાં લીન થઈ શાસ્ત્રોત યજ્ઞ થકી લોકોના દુ:ખડા હર્યા. આવા પૂજ્ય જગાબાપાની 11મી પુણ્યતિથિ નિમિત્તે ઉદાસી આશ્રમ ખારાગોઢા રોડ, પાટડી મુકામે જગદીશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પૂજ્ય જગાબાપાએ લગભગ 30 વર્ષ પહેલા પૂજ્ય ઉદાસીબાપુની પરમ સેવા કરી અને તેમની કૃપા પ્રાપ્ત કરી હતી. ગુરુની કૃપા અને ભગવાન મહાકાળ એવા શિવજીમાં અનન્ય શ્રદ્ધાનો સમન્વય કરીને લોકોના દુ:ખો નિ:સ્વાર્થ ભાવે સેવા થકી દૂર કરવાનું શરૂ કરેલ અને આજે હજારો ભાવિકો ગુરુ ભક્તિમાં લીન થઈ રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલ ખારાગોઢા રોડ પર હનુમાનજી તથા કાલભૈરવનું મંદિર આવેલ છે, જ્યાં દર અમાસે ભજન, ભોજન અને યજ્ઞ દ્વારા હજારો સિતારામ પરિવારના લોકો લાભ લઈ રહ્યા છે. “ગુરુકૃપા હી કેવલમ” સૂત્ર સાથે પૂજ્ય જગાબાપા એ કોઈ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપ્યા વગર યજ્ઞયાત્રાદી ક્રિયાક્રમ થકી લોકોના કામો કર્યા અને લોકોની શ્રદ્ધામાં ઉતરોતર વધારો થતો ગયો. આજથી બરાબર 11 વર્ષ પહેલાં પૂજ્ય જગાબાપાએ કૈલાશગમન કર્યું. તેમના દૈહિક અને આધ્યાત્મિક વારસદાર બની ગાદીપતિ ભાવેશ બાપુએ સેવાનો વારસો આગળ ધપાવ્યો અને આજે હજારો ભાવિકો દુ:ખમાંથી મુક્ત થયા હોવાનું સંતોષ મેળવી ઉદાસી આશ્રમના સેવક બની ગયા છે.

પૂજ્ય જગાબાપાની સ્મૃતિને જીવંત રાખવા પુણ્યતિથિ પર 22, માર્ચને 2023 રોજ આશ્રમમાં જગદીશ્વર મહાદેવ મંદિરના નિર્માણ માટેનો સંકલ્પ લેવાયો અને આજે એક વર્ષમાં જગદીશ્વર મહાદેવ મંદિરનું કાર્ય પૂર્ણ થઈ જતા આગામી તારીખ 20- 21- 22 ના ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. જેમાં ખાસ કરીને પ્રથમવાર 1111 કળશ દ્વારા પ્રતિષ્ઠાની મૂર્તિઓ ઉપર સ્નપન વિધિ થશે. જે સ્નપન વિધિ અનેકવિધ ઔષધીઓને પવિત્ર જળમાં પલાળી તમામ મૂર્તિઓને અભિષેક કરાશે. જગદીશ્વર મહાદેવ મંદિર ધ્વજા દંડ સહિત 108 ફૂટની ઊંચાઈ ધરાવે છે. અઢી ફૂટનું શિવલિંગ, સાડા પાંચ ફૂટના નંદી, અઢી ફૂટના કૂર્મ (કાચબો) બિરાજમાન છે. મંદિર વૈદિક પરંપરા અને ભારતીય વાસ્તુકલાના આધાર લઈ નિર્મિત કરાયું છે. મંદિરમાં પ્રવેશતા જ આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થાય છે.

20 માર્ચના સવારે 8 વાગ્યે યજ્ઞનો શુભારંભ થશે, 8:45 વાગ્યે પ્રાયશ્ચિત વિધિ, 9:15 કલાકે પંચાંગ વિધિથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે. ત્રણે દિવસ બપોરે તથા સાંજે મહાપ્રસાદનું આયોજન છે. તારીખ 21 માર્ચના સવારના શોભા યાત્રા પાટડી નગરમાં ફરશે. જે શોભાયાત્રામાં કિંજલ રબારી, રવિ ખોરજ, સંજય ભાંડુ, વિપુલ સુસરા, રાયમલ પાડીવાડા, સુરેશ ડુમાણા, રાકેશ બારોટ, દિવ્યાબેન ચૌધરી, રાહુલ આંજણા, વિશાલ ઠાકોર, વિજય જોરણંગ, ગમન મેરવાડા રાસ ગરબાની કલા પ્રસ્તુત કરશે.