May 17, 2024

સુરેન્દ્રનગરમાં કાર્બોસેલના કૂવામાં એક મહિનામાં 11 લોકોનાં મોત

surendranagar 11 people died in Carbocell well in one month

કાર્બોસેલના કૂવામાં છેલ્લા એક મહિનામાં 11 લોકોનાં મોત નીપજ્યા છે.

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કાર્બોસેલના કૂવામાં એક જ માસમાં 11 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. ત્યારે તંત્રએ માત્ર કહેવા પૂરતી કાર્યવાહી કરી હતી. જેને લઈને આક્રોશ જોવા મળ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, સુન્દ્રનગર જિલ્લાના થાન-મૂળી-સાયલા-ચોટીલા પંથકમાં કાયદેસર અને ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો આવેલી છે. જેમાં ભૂમાફિયાઓ દ્વારા 200 ફૂટ ઊંડા ખાણના કુવાઓ કરીને અંદરથી કાર્બોસેલનું ખનન કરતા હોય છે. ત્યારે આવી ગેરકાયદેસર ખાણો તંત્ર પૂરી નાંખવામાં આવી છે. છતાં ખનીજ માફિયાઓ દ્વારા આ કૂવાઓ ફરીથી ખોદી અને તેમાંથી ખનીજ ચોરી કરતા હોય છે. જ્યારે પૂરેલા કૂવામાં ફરીથી ખોદકામ કરતા તેમાં ઝેરી ગેસ થઈ જવાથી અનેક મજૂરોના મોત નીપજ્યા છે. છેલ્લા એક જ માસમાં 11 મજૂરોના મોત નીપજ્યા છે. ત્યારે 11માંથી માત્ર ચાર જ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને કાયદેસરખાણો કે ગેરકાયદેસર ખાણોમાં કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો વાપરવામાં આવતા નથી તેવું મજૂરોએ જણાવ્યુ હતુ.

હાલમાં સાયલા તાલુકાના ચોરવીરા ગામે બે મજૂરોના ગેસ ગટરથી મોત નીપજ્યા હતા. જેમાં હરેશ ભાટિયા અને અર્શદ બાટીયા નામના મજૂરોનાં મોતથી તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જ્યારે ધોળી ગામમાં બે મજૂરોના મોતથી હરેશભાઈના પત્નીનું દોઢ વર્ષ પહેલા શોક લાગવાથી મોત નીપજ્યું હતું. ત્યારે કુવામાં ગેસ ગળતર થતા હરેશભાઈનું મોત નીપજતા બે પુત્રો માતા-પિતા વગરના નોંધારા બન્યા છે. તો અન્ય કિસ્સામાં હર્ષદભાઈ બાટીયાને બે પુત્રીઓ છે અને એક 50 દિવસનું બાળક છે, ત્યારે આ ત્રણ બાળકોએ નાની ઉંમરમાં પિતા ગુમાવ્યા છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા આવી ગેરકાયદેસર ખાણો બંધ કરવામાં આવે તેવી અનેકવાર રજૂઆત કરવા છતાં માફિયાઓ દ્વારા રાત્રિના સમયે મોટા પાયે ખનીજ ચોરી થતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

આ અંગે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા ખાણ ખનીજ વિભાગોના અધિકારી નીરવ બારોટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 1300થી વધુ ખાડા ગેરકાયદેસર પૂરવામાં આવ્યા છે. 2023-24માં ખાણ ખનીજ વિભાગ દ્વારા 13થી વધુ ફરિયાદ તેમજ 6 ફરજ રૂકાવટના કેસ કરવામાં આવ્યા છે. તેમજ કરોડો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.

આ અંગે જિલ્લા કલેકટરે સાયલાના ત્રણ, થાનગઢના 10 અને મૂળી તાલુકાના 10 ગામોમાં પુરાણ કરેલા કુવાઓ ફરીથી ખોદતા તેમાં ઝેરી ગેસ થતો હોય જેને ગૂંગળામણના અકસ્માતો અટકાવવા ખાણ-ખનીજ વિભાગ જિલ્લા પોલીસ આરએફઓ તાલુકા વિકાસ અધિકારી જીપીસીબી સરપંચ અને તલાટી સહિતના વિભાગના અધિકારીઓની વિશેષ ટીમની રચના કરી હતી. તેમજ આ તમામ તાલુકામાં 40થી વધુ તલાટી અને સરપંચોને નોટિસ પણ પાઠવવામાં આવી છે.

સ્થાનિક આગેવાન રમકુભાઇ કરપડા દ્વારા ન્યૂઝ કેપિટલ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવી ગેરકાયદેસર ખાણોની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે છે પરંતુ નક્કર કામગીરી ન થતી હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે તેમાં પોલીસ વિભાગ ખાણ ખનીજ સરપંચ તલાટી સહિતના અધિકારીઓની ભગતથી મોટા પાયે કાર્બોસિલની ખનીજ ચોરી થતી હોય છે.