December 22, 2024

ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઉછાળો, રાતો રાત વધ્યા ભાવ

Business: દિવાળીના બીજા દિવસે ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. દિવાળી પર લક્ષ્મી પૂજા દરમિયાન ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મેટ્રો શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વધીને 61-62 રૂપિયા થઈ ગઈ છે. જોકે, 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ ઘણા શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2000 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કોલકાતામાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 2000 રૂપિયાથી માત્ર 88.5 રૂપિયા ઓછી છે. 19 કિલોના એલપીજી સિલિન્ડર જેની કિંમત દિલ્હી અને મુંબઈમાં 1750 રૂપિયા સુધી હતી તે હવે 1800 રૂપિયાનો આંકડો પાર કરી ગયો છે. આ નવી કિંમતો 1 નવેમ્બર 2014થી અમલમાં આવી છે.

દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત
ઓક્ટોબર 2024માં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1740 રૂપિયા હતી. હવે 62 રૂપિયાના વધારા બાદ રાજધાનીમાં 19 કિલોનો LPG સિલિન્ડર 1802 રૂપિયામાં મળશે.

કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત
એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારાની સૌથી વધુ અસર કોલકાતામાં જોવા મળશે. કોલકાતામાં ઓક્ટોબર 2024 સુધી 19 કિલોનું એલપીજી સિલિન્ડર 1,850.5 રૂપિયામાં ઉપલબ્ધ હતું. જે હવે 61 રૂપિયા વધીને 1,911.5 રૂપિયા થઈ ગયું છે.

આ પણ વાંચો: બુમરાહને લઈ રોહિત શર્માએ આપ્યા ખરાબ સમાચાર, મુંબઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન!

મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત
મેટ્રોપોલિટન મુંબઈમાં પણ 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,692.5 રૂપિયાના બદલે 1,754.5 રૂપિયા થઈ ગઈ છે.

ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત
ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 61.5 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે ચેન્નાઈમાં ગેસ સિલિન્ડરની કિંમત 1,903 રૂપિયાથી વધીને 1,964 રૂપિયા થઈ ગઈ છે.

ઘરેલું સિલિન્ડરની કિંમત કેટલી છે?
14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો ઓગસ્ટ 2024થી તેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં તેની કિંમત 803 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા, ચેન્નાઈમાં 818.50 રૂપિયા અને કોલકાતામાં 829 રૂપિયા છે.