May 4, 2024

ચૂંટણી સમયે બંગાળમાં વધુ 100 CAPF ટુકડીઓને તૈનાત હશે

અમદાવાદ: લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી થાય એ માટે ચૂંટણી આયોગે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી આયોગે આજે ગૃહમંત્રાલયને પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય સશસ્ત્ર અર્ધસૈનિક દળ એટલે કે CAPFના 100 જેટલી ટુકડીને તૈનાત કરવાનો આદેશ કર્યો છે. ચૂંટણી પંચના આદેશ પર ગૃહ મંત્રાલયે સીઆરપીએફની 55 ટીમ અને સીમા સુરક્ષા દળની 45 ટીમોને તૈનાત કરી છે. આ ઉપરાંત  15 એપ્રિલ સુધીમાં પશ્ચિમ બંગાળમાં CAPFની વધુ 100 ટીમને મોકલવામાં આવશે.

TMCના નેતાઓ ચૂંટણી પંચને મળ્યા હતા
આ પહેલા સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓએ ફરી એકવાર બંગાળમાં કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મામલે ડેરેક ઓ’બ્રાયન, ડોલા સેન, સાકેત ગોખલે અને સાગરિકા ઘોષ સહિતના ટીએમસી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને તેમની માંગણીઓ સાથે મળ્યું હતું.

આ પણ વાંચો: પ્રથમ ચરણના 16 ટકા ઉમેદવારો પર ક્રિમિનલ કેસ, 42 સીટો પર રેડ એલર્ટ

આ દરમિયાન ટીએમસીના પ્રતિનિધિમંડળે માંગ કરી હતી કે સીબીઆઈ, એનઆઈએ, ઈડી અને ઈન્કમ ટેક્સ વિભાગના વડાઓને બદલવા જોઈએ. આ પહેલા પણ ટીએમસી સતત આરોપ લગાવી રહી છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ ભાજપની આગેવાની હેઠળના કેન્દ્રના ઇશારે વિરોધ પક્ષોને નિશાન બનાવી રહી છે.

NIAની ટીમ પર હુમલો
પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં શનિવારે સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. NIAના અધિકારીઓ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે 2022ના બ્લાસ્ટ કેસની તપાસ કરવા ત્યાં પહોંચ્યા હતા ત્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમની કાર પર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેના કારણે કારની વિન્ડસ્ક્રીનને નુકસાન થયું હતું. આ ઘટનામાં એક અધિકારી ઘાયલ થયો હતો.