BJPના ઉમેદવાર મૈસૂરના યુવરાજ પાસે નથી પોતાનું ઘર! માત્ર આટલી જ સંપત્તિ છે
અમદાવાદ: મૈસૂરના વાડિયાર રાજવંશના રાજા યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયારે સોમવારના મૈસૂર લોકસભા સીટ પરથી BJPમાંથી ઉમેદવારી નોંધાવી છે. યદુવીર દ્વારા રિટનિંગ અધિકારી સમક્ષ દાખલ કરવામાં આવેલા નામાંકન પત્રમાં એક શપથપત્ર પણ હતું. જે અનુસાર આવક વિવરણમાં દર્શાવેલા આંકડાઓ અનુસાર તેની પાસે 9 કરોડ રુપિયાની સંપતિ છે. તેમની પત્ની અને પુત્રની પાસે 1 કરોડ અને 3.6 કરોડની સંપતિ છે. સૌથી ચૌંકાવનારી વાત તો એ છે કે યદુવીર વાડિયારની પાસે કોઈ ઘર કે વાહન નથી.
9 કરોડની કુલ સંપત્તિના માલિક
તેમની પાસે જે પ્રોપર્ટી છે તેની કિંમત 9 કરોડ રૂપિયા છે. જેમાં મુખ્યત્વે શેરહોલ્ડિંગ અને કિંમતી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેમની પત્ની ત્રિશિકા કુમારી વાડિયાર અને પુત્ર આદ્યવીર પાસે અનુક્રમે રૂ. 1 કરોડ અને રૂ. 3.6 કરોડની સંપત્તિ છે. આ દંપતી પાસે સોના, ચાંદી અને કિંમતી ધાતુઓમાં પણ નોંધપાત્ર હોલ્ડિંગ છે. આ ઉપરાંત તે વિવિધ કંપનીઓના સંચાલનમાં સક્રિયપણે સામેલ છે. નોંધનીય છે કે મૈસૂર લોકસભા સીટથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા 32 વર્ષીય યદુવીરનો મુકાબલો કોંગ્રેસના એમ લક્ષ્મણ સાથે છે.
આ પણ વાંચો: અરુણાચલ પર ચીનના દાવા અંગે જયશંકરે કહ્યું, ‘જો હું તમારા ઘરનું નામ બદલીશ…’
કોણ છે યદુવીર
યદુવીરે અમેરિકાની મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. મહારાજા બન્યા પછી તેઓ કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર તરીકે પણ ઓળખાવા લાગ્યા. વાડિયાર વંશે 1399 માં મૈસૂર પર શાસન કરવાનું શરૂ કર્યું. ત્યારથી રાજાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લો રાજ્યાભિષેક 1974 માં થયો હતો. એ બાદ યદુવીરના કાકા શ્રીકાંતદત્ત નરસિંહરાજા વાડિયારને ગાદી પર બેસાડવામાં આવ્યા. 2013માં તેમનું અવસાન થયું હતું. બે વર્ષ સુધી સિંહાસન ખાલી રહ્યું અને ત્યારબાદ યદુવીરને રાજા બનાવવામાં આવ્યા.