December 17, 2024

વિશ્વ પુસ્તક દિવસઃ બહાઉદ્દીન કોલેજની લાઇબ્રેરીમાં છે સોનાથી મઢેલી હસ્તલિખિત પ્રત

સાગર ઠાકર, જૂનાગઢઃ વિશ્વભરમાં યુનેસ્કો અને અન્ય સંસ્થાઓ દ્વારા લેખકો તથા પુસ્તકોનું સન્માન કરવા, વાંચનની કળાને પ્રોત્સાહન આપવા વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી કોલેજમાં અત્યાધુનિક સુવિધા સાથે નજીવી ફીમાં શિક્ષણ ઉપલબ્ધ છે. આ સાથે કોલેજની લાઈબ્રેરી પણ એટલી જ સમૃદ્ધ છે.

જૂનાગઢ શહેરમાં આવેલી ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની જો વાત કરીએ તો કોલેજનું બિલ્ડિંગ હેરીટેજ બિલ્ડિંગ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ કોલેજનું બિલ્ડિંગ 125 વર્ષ જૂનું છે. અંગ્રેજ સરકારના એજન્ટ એ.કે. હન્ટરે તેનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ગુજરાતની જૂનામાં જૂની કોલેજ છે કે, જેનું ખાતમુહૂર્ત થયા બાદ અત્યાર સુધી તેનો કોલેજ તરીકે જ ઉપયોગ થઈ રહ્યો છે. બહાઉદ્દીન કોલેજનો ગૌરવવંતો ઈતિહાસ છે. જૂનાગઢ આઝાદ થતાં સરદાર વલ્લભભાઈ પટેલે આ જ કોલેજના મેદાનમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું.

ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, મનોજ ખંડેરિયા જેવા સાહિત્યકારો અને કવિઓ ઉપરાંત અનેક ઉધોગપતિ, વકીલો અને ધારાસભ્યો પણ આ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે. જ્યારે આ બિલ્ડિંગનું નિર્માણ થયું ત્યારે તેનો સેન્ટ્રલ હોલ તે સમયે એશિયામાં એકમાત્ર એવો સેન્ટ્રલ હોલ હતો કે, કોઈપણ પિલ્લર વગર સૌથી વધુ ઉંચાઈ ધરાવતો હતો. બેનમૂન કલાકૃતિનો નમૂનો કહી શકાય તેવી બહાઉદ્દીન કોલેજ બિલ્ડિંગને હેરીટેજ બિલ્ડિંગ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. આઝાદી પહેલાં માત્ર શિક્ષણના હેતુથી જે ભવ્ય ઈમારતનું નિર્માણ થયું હતું, ત્યારે જૂનાગઢમાં નવાબનું શાસન હતું. નવાબના સાળા અને વજીર બહાઉદ્દીનભાઈએ આ કોલેજનું માત્ર શિક્ષણના હેતુથી નિર્માણ કરાવ્યું હતું અને તે સમયે અંગ્રેજો આ કોલેજના આચાર્ય હતા.

જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની લાઈબ્રેરી પણ હેરિટેજ લાઈબ્રેરી છે. કોલેજની લાઈબ્રેરીમાં 55 હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે. આ લાઈબ્રેરીમાં અનેકવિધ દુર્લભ પુસ્તકો છે. જૂનવાણી કલાત્મક કબાટમાં અતિદુર્લભ કહી શકાય તેવા સુવર્ણથી મઢેલા ટાઈટલ ધરાવતાં ઐતિહાસિક પુસ્તકો અને હસ્તલેખિત પ્રતો છે. માસ્ટર ડિગ્રી અને સંશોધનના વિષયો પર અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે આ અમૂલ્ય પુસ્તકો એક દુર્લભ ખજાના સમાન છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી એવું તમામ સાહિત્ય અહીંની લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે.

આમ, ભાષા અને શાસ્ત્રના જે વિષયો અહીં ભણાવવામાં આવે છે, તેનાં પુસ્તકો પણ ઉપલબ્ધ છે જ, આ ઉપરાંત ઈતિહાસ અને સંશોધનો પરના પુસ્તકોનો અહીં ખજાનો છે. તેથી જ વિદ્યાર્થીઓ બહાઉદ્દીન કોલેજમાં ભણવાનું પસંદ કરે છે. દર વર્ષે અહીં એડમિશન માટે પડાપડી થતી હોય છે. સમૃદ્ધ લાઈબ્રેરી બહાઉદ્દીન કોલેજની શાન છે. કોલેજનું એક નજરાણું છે કે, જ્યાં ન માત્ર વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો પરંતુ એક ઐતિહાસિક ધરોહરની જાળવણી પણ થઈ રહી છે.