May 4, 2024

હનુમાનજીને 5555 કિલોનાં લાડુનો પ્રસાદ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન

અમિત રૂપાપરા, સુરતઃ શહેરના અલગ અલગ મંદિરોમાં હનુમાન જયંતિની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતના પાલ-હજીરા રોડ પર આવેલા અટલ આશ્રમમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે 5,555 કિલોનો ગુંદીનો લાડું તૈયાર કરવામાં આવ્યો છે. આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ લાડું ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે. મહત્વની વાત છે કે, મંદિરમાં દર વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે લાડુ તૈયાર કરવામાં આવે છે અને 2004માં 551 કિલો ગુંદીના લાડુથી શરૂઆત કરવામાં આવી હતી. આજે 5,555 કિલોનો લાડુ તૈયાર કરીને એક રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે.

સુરતના પાલ-હજીરા રોડ પર આવેલા અટલ આશ્રમ દ્વારા હનુમાન જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી છે. અટલ આશ્રમ દ્વારા 5,555 કિલોનો લાડુ તૈયાર કરીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી છે. આ 5,555 કિલોનો ગુંદીનો લાડુ પ્રસાદી સ્વરૂપે ભક્તોને આપવામાં આવશે. મહત્વની વાત છે કે, લાડુની ઊંચાઈ 6.5 ફૂટ છે અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું છે. એશિયા બુક ઓફ રેકોર્ડની ટીમ દ્વારા લાડુ બનતો હતો તે સમયે તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે.

મહત્વની વાત છે કે, મંદિરના મહંત બટુકગીરી મહારાજ દ્વારા વર્ષ 2004માં લાડુ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને શરૂઆતમાં વર્ષ 2004માં 551 કિલોનો ગુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2005માં 111 કિલો, 2006માં 1551 કિલો, 2007માં 1751, કિલો 2008માં 2151 કિલો, 2009માં 2,500 કિલો, 2010માં 2551 કિલો, 2011માં 2700 કિલો, 2012માં 2751 કિલો આમ દર વર્ષે લાડુનું વજન વધારીને 2022માં 4,100 કિલોનો બુંદીનો લાડુ તૈયાર કર્યો હતો. 2023માં 4,500 કિલો ગુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો અને ખાસ 2024માં મંદિરમાં 5,555 કિલોનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે.

અટલ આશ્રમને 50 વર્ષ પૂરા થયા ઉપરાંત મંદિરના મહંત બટુકગીરી મહારાજના 70મી જન્મ જયંતિ નિમિત્તે તેમજ હનુમાન જયંતિ આ ત્રિવેણી સંગમના અવસરે આ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. 5,555 કિલોનો તૈયાર થયેલો લાડુ ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે.