January 21, 2025

માત્ર 10 પાસ મહિલા ખેડૂત કરે છે અમેરિકાના સુપરફૂડની ખેતી

સંજય વાઘેલા, જામનગર: આજના યુગમાં ખેતીનું ખુબ જ મહત્વ રહેલું છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો મહેનતથી ઉગાડેલા ધાનથી કરોડો લોકોનું પેટ ભરે છે. તો આજનો ખેડૂત આધુનિક બન્યો છે. જો કે વાત મહિલાઓની આવે તો ભારતની નારી જરાય પાછળ નથી. ખેતીમાં પણ હવે મહિલાઓ સ્વાવલંબી બની છે. ત્યારે જામનગરની એક મહિલાએ અનોખું ઉદાહરણ પૂરું પડ્યું છે. જામનગરના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા પાયલબેન પોતાની અનોખી ખેતીને લઈને જાણીતા બન્યા છે. અમેરિકન સુપરફૂડની ખેતી કરવી સહેલી ન હતી. જો કે પાયલબેનને હિંમત ના હારી અને પ્રયાસો ચાલુ રાખ્યા હતા. બાદમાં ત્રણ વર્ષ બાદ પાયલબેનની મહેનત રંગ લાવી અને 100 ટકા સફળતા હાથ લાગી.

વાત કરીએ પાયલબેનની તો તાલુકાના આરબલુસ ગામે રહેતા પાયલબેન મનસુખભાઈ કટારીયાએ પહેલી વાર માત્ર ટ્રાયલબેઝ અમેરિકાનું સુપરફૂડ કિનોવાનાનું વાવેતર કર્યું હતું, જમીન, વરસાદ અને બીયારણ જેવી અનેક સમાસ્યાનો પાયલબેનને સામનો કરવો પડ્યો હતો. જો કે ત્રણ વર્ષ બાદ પાકમાં 100 ટકા સફળતા મળી હતી. પાયલબેનું કહેવું છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે સંકળાયેલી છું. ત્યાંથી નવા રોપા વિષે જાણકારી મળી હતી. જે બાદ પરંપરાગત ખેતી સાથે રાગી, કસાવા, કીનોવા જેવા પાકનું વાવેતર અખતરા રૂપી કરું છું. કિનોવાએ અમેરિકાનો પાક છે અને તે અમેરિકાનું સુપરફૂડ છે.

વાત કરીએ કિનોવા ફૂડની તો આ એક ધાન્યવાર પાક છે. આપણા દેશમાં અમુક લોકો આને અમેરિકન બાજરી તરીકે પણ ઓળખે છે. તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કીનોવાનું વાવેતર જોવા મળે છે પરંતુ સૌરાષ્ટ્રમાં એક પણ ખેડૂત આ પાકનું વાવેતર કરતા નથી. આથી પાયલબેને 2020માં અખતરા રૂપે કિનોવાને ઉગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ 100 ટકા સફળતા ન મળી. સતત 3 વર્ષથી ઉગાડવાનો પ્રયત્ન કર્યા બાદ વર્ષ 2022 માં સફળતા મળતી 100 ટકા પરિણામ મળ્યું છે. કિનોવાના ભાગમાં ખર્ચો નહિવત પ્રમાણમાં છે કારણ કે આમાં કોઈ ખાતર કે દવાની જરૂર પડતી નથી આથી આ ગાય આધારિત અને ઓર્ગેનિક થઈ શકે છે.