September 19, 2024

શેના વિરોધમાં ચાલી રહી છે ટ્રક ડ્રાઇવરની હડતાલ?

આખા દેશમાં ટ્રક ડ્રાઇવર નવા નિયમના વિરોધમાં ચક્કાજામ કરી રહ્યા છે. તો ટ્રકચાલકો શા માટે કરી રહ્યાં છે વિરોધ ? શું છે નવો નિયમ ?

શું હતો જુનો નિયમ અને શું છે નવો નિયમ ?

હાલમાં રાષ્ટ્રપતિની સહમતીથી ભારત સરકારે ઇન્ડિયન પીનલકોડને બદલીને ભારતીય ન્યાય સંહિતા નામનો નવો નિયમ લાગુ કરી દીધો છે. આ નિયમની એક જોગવાઇના કારણે આ વિરોધ ચાલુ થયો છે. હીટ એન્ડ રનની નવી જોગવાઇ અનુસાર ટ્રક દ્વારા થતી કોઇ પણ રોડ અકસ્માતમાં જો કોઇનું મૃત્યુ થાય છે અને ટ્રકચાલક જો ઘટનાસ્થળેથી ભાગી જાય છે તો તેને 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ ભરવો પડશે. જ્યારે પહેલાની જોગવાઇમાં આરોપી ડ્રાઇવરને 2 વર્ષની સજા થતી પરંતુ જામીન મળી જતા હતા.

હડતાલની અસર દેશમાં ક્યાં ક્યાં થઇ ?

આખા દેશમાં ટ્રકચાલકો દ્વારા નવા નિયમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર મધ્યપ્રદેશ, રાજસ્થાન,મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વિરોધની અસર જોવા મળી હતી. આ રાજ્યોમાં ટ્રક ડ્રાઇવર દ્વારા રસ્તા રોકી ચક્કાજામ કરવામાં આવ્યું હતું. ટ્રકચાલકોના આ વિરોધના પગલે આખા દેશના સામાન્ય માણસો હેરાન થઇ રહ્યા છે. ટ્રકચાલકો આ રીતે ચક્કાજામ કરી નવા આવેલા નિયમનો વિરોધ દર્શાવી રહ્યા છે.

પેટ્રોલપંપ પર લાઇનો, ચીજવસ્તુ થઇ શકે મોંઘી !

નવા નિયમનાં વિરોધનાં પગલે ટ્રકચાલકોની હડતાલ ચાલી રહી છે. જેથી લોકો વચ્ચે પેટ્રોલ-ડીઝલનાં અપુરતા જથ્થાને લઇને અફવા ફેલાવવામાં આવી હતી. પરંતુ ગુજરાત રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનાં જથ્થાને લઇને કોઇ અછત નહીં સર્જાય તેવુ જાણવા મળ્યું હતું. હડતાલને કારણે એક્સપોર્ટ કરવામાં આવતી ચીજવસ્તુઓ પર અસર થઇ શકે છે.