જમિયત-ઉલેમા-એ-હિંદે UCC પર કર્યો વિરોધ, ‘આદિવાસીઓ બહાર અને મુસ્લિમો અંદર કેમ છે?
નવી દિલ્હી: ઉત્તરાખંડ વિધાનસભામાં આજથી યુનિફોર્મ સિવિલ કોડ બિલ પર ચર્ચા શરૂ થઈ રહી છે. બીજી બાજુ મુસ્લિમ સંગઠનોએ આ બિલનો વિરોધ શરૂ કરી દીધો છે. દેહરાદૂનમાં આ બિલનો વિરોધ પણ થયો હતો. જમીયત-એ-ઉલેમા-એ-હિંદે કહ્યું છે કે મુસ્લિમો એવા કોઈપણ કાયદાને સ્વીકારશે નહીં જે શરિયતની વિરુદ્ધ હોય. જમીયત-ઉલેમા-એ-હિંદે આ બિલમાંથી આદિવાસીઓને આપવામાં આવેલી છૂટનો હવાલો આપતા કહ્યું કે જો આદિવાસી સમુદાયને આ કાયદાથી અલગ રાખી શકાય તો બંધારણમાં આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતાના આધારે લઘુમતીઓને પણ આ કાયદા હેઠળ આવરી લેવા જોઈએ. આ કાયદાની મર્યાદાથી અલગ રાખવું જોઈએ. વધુમાં જમીયતના વડા મૌલાના અરશદ મદનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે એવા કોઈ પણ કાયદાને સ્વીકારી શકતા નથી જે શરિયતની વિરુદ્ધ હોય કારણ કે એક મુસ્લિમ દરેક બાબતમાં સમાધાન કરી શકે છે, પરંતુ તે શરિયત અને ધર્મ સાથે ક્યારેય સમાધાન કરી શકતો નથી.”
આદિવાસીઓ બહાર છે તો મુસ્લિમો અંદર કેમ છે?
તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ (યુસીસી બિલ) રજૂ કરવામાં આવ્યું છે અને આ પ્રસ્તાવિત કાયદામાંથી અનુસૂચિત જનજાતિને મુક્તિ આપવામાં આવી છે. મદનીએ પ્રશ્ન ઉઠાવ્યો કે જો બંધારણની કલમ હેઠળ અનુસૂચિત જનજાતિને આ કાયદાના દાયરાની બહાર રાખી શકાય છે, તો નાગરિકોના મૂળભૂત અધિકારોને માન્યતા આપતી વખતે બંધારણની કલમ 25 અને 26 હેઠળ મુસ્લિમોને ધાર્મિક સ્વતંત્રતા શા માટે આપવામાં આવી નથી. મદનીએ દાવો કર્યો હતો કે બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવી છે; પરંતુ યુનિફોર્મ સિવિલ કોડ મૂળભૂત અધિકારોને રદ કરે છે. વધુમાં પૂછ્યું જો આ સમાન નાગરિક સંહિતા છે તો પછી નાગરિકો વચ્ચે આટલો તફાવત કેમ છે. વધુમાં ઉમેર્યું કે અમારી કાનૂની ટીમ બિલના કાયદાકીય પાસાઓની સમીક્ષા કરશે અને ત્યારબાદ આગળની કાનૂની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો : જય શ્રી રામના નારા સાથે ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ રજૂ
પ્રશ્ન મુસ્લિમોના પર્સનલ લોનો નથી
મદનીએ કહ્યું કે સવાલ મુસ્લિમોના પર્સનલ લોનો નથી, પરંતુ દેશના ધર્મનિરપેક્ષ બંધારણને અકબંધ રાખવાનો છે. જ્યારે દેશભરમાં નાગરિક કાયદો સમાન નથી તો તેઓ સમગ્ર દેશમાં એક જ કુટુંબ કાયદો લાગુ કરવાનો આગ્રહ કેમ રાખે છે. નોંધનીય છે કે ઉત્તરાખંડ સરકારે મંગળવારે વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કર્યું છે. આ બિલ આઝાદી પછી દેશના રાજ્યમાં આ પ્રકારનું પહેલું પગલું છે, ત્યારબાદ બીજેપી શાસિત અન્ય રાજ્યોમાં પણ આવો કાયદો બની શકે છે. આ બિલમાં પહાડી રાજ્ય ઉત્તરાખંડના નાના આદિવાસી સમુદાયને પ્રસ્તાવિત કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ બિલમાં લિવ-ઇન રિલેશનશિપની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા આવી રહેલું 192 પાનાનું યુનિફોર્મ સિવિલ કોડ બિલ ભાજપના વૈચારિક એજન્ડાનો એક મહત્વપૂર્ણ મુદ્દો છે, જેમાં લગ્ન, છૂટાછેડા, જમીન, સંપત્તિ અને અન્ય મુદ્દાઓ પર સમાન કાયદા બનાવવાનો પ્રસ્તાવ છે.