October 16, 2024

વિકાસ સપ્તાહ કાર્યક્રમમાંથી લોકોએ ચાલતી પકડી તો સાંસદ વસાવા ભડક્યા

નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 23 વર્ષના સૂશાસનની ઉજવણી કરવાના ભાગરૂપે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નર્મદા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, નર્મદા ખાતે આયોજિત વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ગુસ્સે ભરાયા હતા. ભાષણ કરવા ઉભા થતા કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ જોઈને સાંસદ મનસુખ વસાવા ભડકી ઉઠયા હતા.

વિકાસ સપ્તાહ કાર્યક્રમ દરમિયાન મનસુખ વસાવાએ ટકોર કરતાં કહ્યું હતું કે લોકો ઉભા થઈને જતા રહ્યા તેનું ધ્યાન રાખવું જોઈએ. વિકાસની વાત થતી હોય તે વચ્ચે લોકો ઉભા થઈને જાય તેનું ધ્યાન રાખવાનું હોય. લોકો ઉભા થઇ ને જતા રહે તો જેને જવાબદારી સોંપી છે તેમણે ધ્યાન રાખવાનું હોય.

કાર્યક્રમ દરમિયાન જેવા મંત્રી બોલવા ઉભા થાય તે પહેલા જ લોકોએ ચાલતી પકડતા તેઓ સાંસદ ભડક્યા હતા. તેમણે ટકોર કરતાં કહ્યું હતું કે અધિકારીઓ પણ સેવાસેતુના કાર્યક્રમમાં જતા નથી અને આવા કાર્યક્રમોમાં અધિકારીઓએ પણ જવું જોઈએ. અધિકારીઓને પણ કહું છું કે આગામી કાર્યકમોમાં આવું ન થવું જોઈએ. જે લોકો અહીં આવનાર લોકોને લઈને આવે છે તેમણે ખાસ ધ્યાન આપવું જોઈએ. મંત્રી ભીખુસિંહ પરમાર એ કહ્યું કે કેટલાક મિત્રોની બેસી રહેવાની ક્ષમતા ઓછી હોય છે. મનસુખ વસાવાને મંત્રીએ કહ્યું કે આપણે મોટું મન રાખવાનું.