December 24, 2024

શું છે NDPS એક્ટ? જે એલ્વિશ યાદવ માટે સંકટ બની ગયો છે

દિલ્હી: બિગ બોસ ઓટીટી 2 વિજેતા અને પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવની ધરપકડ કરવામાં આવી છે. હાલ એલ્વિશ યાદવ જેલમાં છે. એલ્વિશ યાદવ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે. પરંતુ શુ તમને ખબર છે કે આ NDPS એક્ટ શું છે અને તે એક્ટ લગાવવાથી શું કાર્યવાહી કરવામાં આવે છે?

જેલમાં મોકલવામાં આવ્યો
પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવને 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. નોઈડા પોલીસે તેને તપાસ માટે બોલાવ્યો હતો. ત્યારબાદ ગઈ કાલે સામે આવ્યું કે તેણે સાપનું ઝેર મંગાવવાનો ગુનો કબૂલ કર્યો છે. તમને જણાવી દઈએ કે હાલ એક બીજા આરોપીને પણ તપાસ માટે બોલાવવામાં આવ્યો છે. હાલ એલ્વિશની NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટ સુધીના ચક્કર
એલ્વિશ યાદવને જામીન અપાવવા માટે તેમના વકીલો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ એમ છતાં એલ્વિશને કોઈ રાહત મળી રહી નથી તેવું લાગી રહ્યું છે. એનડીપીએસ એક્ટની કલમ 27એ એલ્વિશ માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. આ પહેલા પણ આ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રિયા ચક્રવર્તી, આર્યન ખાન પર આ કલમ હેઠળ કાર્યવાહી કરાઈ હતી. ત્યારે આજે અમે તમને જણાવીશું કે NDPS એક્ટ શું છે, તે ક્યારે લાગુ કરવામાં આવે છે અને તે એક્ટ લાગું કરવામાં આવે તો શું સજા થઈ શકે છે.

NDPS એક્ટ શું છે?
NDPSનું પૂરું નામ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ છે. આ એક્ટ તેમના પર લગાવવામાં આવે છે કે જે લોકો ડ્રગ્સનો ઉપયોગ કરે છે અથવા ડ્રગ્સનું ઉત્પાદન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ સાથે કોઈ માદક દ્રવ્યોના ઉત્પાદન, ખેતી, કબજો, વેચાણ, ખરીદી અથવા સેવન જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હોય અથવા શંકા થાય અને તપાસ કરતા જો આવી કોઈ માહિતી સામે આવે તો કાર્યવાહી કરવામાં આવે છે. જોકે હાલ તો આ એક્ટ હેઠળ એલ્વિશ યાદવ ચર્ચામાં આવ્યો છે.

NDPS એક્ટ ક્યારે શરૂ થયો?
એનડીપીએસ એક્ટ વર્ષ 1985માં લાવવામાં આવ્યો હતો. આ એક્ટનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે કે દેશમાં કોઈપણ નશાને રોકવામાં આવે. આ એક્ટને લાવવામાં આવ્યો ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સ્થાપના આ અધિનિયમના અમલના એક વર્ષ પછી 1986માં કરવામાં આવી હતી. આ એક્ટને લઈને દોષિતોની સજાને લઈને અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવી છે. આ એક્ટમાં જો વ્યક્તિનો ગુનો સાબિત થાય છે તો 10 થી 20 વર્ષની જેલની સજા થઈ શકે છે અને તેની સાથે 2 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવે છે.