May 19, 2024

કોલકાતામાં વહેલી સવારે EDના દરોડા, વેપારીઓ સાથે સાઠગાંઠની તપાસ

પશ્ચિમ બંગાળમાં ED એ કાર્યવાહી હાથ ધરી છે.

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વહેલી સવારે ફરી એકવાર EDની કાર્યવાહી જોવા મળી છે. રાશન કૌભાંડ કેસમાં EDએ પશ્ચિમ બંગાળમાં દરોડા પાડ્યાં છે. EDનું સર્ચ ઓપરેશન હાલમાં 6 અલગ-અલગ જગ્યાઓ પર ચાલી રહ્યું છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. આરોપીઓનું બિઝનેસમેન સાથે કનેક્શન સામે આવ્યું છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય તપાસ એજન્સી EDના કોલકાતા ઝોનલ યુનિટ દ્વારા લગભગ અડધો ડઝન જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગત મહિને પણ રાશન વિતરણ કૌભાંડ મામલે અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ વખતે રાશન કૌભાંડમાં આરોપીઓનું વેપારીઓ સાથે કનેક્શન સામે આવ્યું છે, તેના સંદર્ભમાં EDએ કાર્યવાહી કરી છે. ભારતીય ચલણને વિદેશી ચલણમાં કન્વર્ટ કરીને વિદેશ મોકલવાનો મામલો છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે, કેન્દ્રીય દળોની સાથે EDની ટીમોએ સોલ્ટ લેક, કૈખલી, મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ, હાવડા અને અન્ય કેટલાક સ્થળોએ દરોડા પાડ્યાં છે. તેમણે કહ્યું કે, જે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં ઉદ્યોગપતિઓ અને કૌભાંડમાં અગાઉ પકડાયેલા લોકોની સાથે નજીકથી સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે.

ED અધિકારીએ કહ્યુ કે, ‘આ દરોડા રાશન વિતરણ કૌભાંડ સાથે સંબંધિત છે. ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કર્યા બાદ અમને આ લોકોની સંડોવણીની માહિતી મળી ચૂકી છે.’ તપાસ એજન્સીએ પશ્ચિમ બંગાળમાં રાશન વિતરણમાં અનિયમિતતામાં કથિત સંડોવણી બદલ રાજ્યના મંત્રી અને ટીએમસીના એક નેતાની ધરપકડ કરી છે.