May 18, 2024

રાજપીપળાથી પરત ફરતા 35થી વધુ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલ ખસેડાયાં

ફૂડ પોઈઝનિંગ - NEWSCAPITAL

નડિયાદઃ અમદાવાદના નિકોલમાં એક લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ જાનૈયાઓ પરત જઈ રહ્યા હતા તે દરમિયાન ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. જાનૈયાઓ અમદાવાદથી રવાના થયા બાદ નડિયાદ ટોલ બુથ પાસે પહોંચ્યા ત્યારે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. જે બાદ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને બોલાવવામાં આવી હતી અને પીડિતોને વધુ સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

35થી 40 જાનૈયાઓ ભોગ બન્યા
મળતી માહિતી મુજબ, ગત મોડી રાત્રે નિકોલમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી જાનૈયાઓ રાજપીપળા પરત ફરી રહ્યા હતા, દરમિયાન રસ્તામાં નડિયાદ ટોલબુથ પાસે મુખ્યત્વે તમામ જાનૈયાઓની તબિયત લથડતા તત્કાલી 108 ને બોલાવવામાં આવી હતી, જે બાદ 108ની ત્રણ ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને અસરગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. 108 કર્મીઓના જણાવ્યા અનુસાર, લકઝરી બસમાં સવાર અંદાજે પાછળ જેટલા જાનૈયાઓમાંથી 35થી 40 જાનૈયાઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા.

તમામની તબિયત સુધારા પર
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તમામને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં વર અને કન્યાની પણ તબિયત ખરાબ થઈ હતી. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરતાં તબીબના જણાવ્યા અનુસાર, હાલ તમામ લોકોની તબિયત સુધાર પર છે.