October 16, 2024

પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે, કોંગ્રેસે કરી નામની જાહેરાત

વાયનાડઃ દેશમાં મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી તારીખ જાહેર કરવા માટે ચૂંટણીપંચે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ત્યારે તેમાં દેશની ખાલી સીટ પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વાયનાડની લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. ત્યારે કોંગ્રેસે વાયનાડ બેઠક પરથી ઉમેદવારના નામની ઘોષણા કરી છે. પ્રિયંકા ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

પાંચ વર્ષથી રાજકારણમાં સક્રિય, પહેલીવાર સંસદીય ચૂંટણી લડશે
જો વાયનાડથી ચૂંટાશે, તો પ્રિયંકા પ્રથમ વખત કોઈપણ ગૃહની સભ્ય બનશે. તેમણે 2019ની લોકસભા ચૂંટણી પહેલા સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તે પાર્ટીના મહાસચિવની જવાબદારી નિભાવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા વાયનાડ લોકસભા પેટાચૂંટણીની જાહેરાત બાદ તરત જ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીના નામની જાહેરાત કરી છે.

કેરળમાં ત્રણ બેઠકો માટે ચૂંટણી
ચૂંટણી લડી રહેલા ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ પાર્ટીના નિવેદન અનુસાર, પ્રિયંકા ગાંધી લોકસભા પેટાચૂંટણીમાં વાયનાડથી ચૂંટણી લડશે, જ્યારે કેરળમાં ખાલી પડેલી બે વિધાનસભા બેઠકો પર થનારી પેટાચૂંટણીમાં રાહુલ મમકુતાથિલ પલક્કડ બેઠક પરથી ચૂંટણી લડશે. આ સિવાય પાર્ટીએ મહિલા નેતા રામ્યા હરિદાસને અનુસૂચિત જાતિ માટે અનામત ચેલાકારા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.