December 22, 2024

DANG: પાણીની સમસ્યાનું નિરાકરણ ન થતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

શેખર ખેરનાર, ડાંગ: ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં નિરગુડમાળ ગામ ખાતે નલ સે જલ યોજના હેઠળના નળ, કુવા, હેન્ડ પંપ વગેરે હોવા છતા પણ લોકોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. જેને લઇને સ્થાનિકોએ પાણી પુરવઠા વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી તેમ છતા પણ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યારે ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં લહાનચર્યા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નિરગુડમાળ ગામના લોકો છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામમાં કુલ 14 જેટલા હેન્ડ પંપ આવેલા છે, પરંતુ પાણીનાં સ્તર નીચા જતા હેન્ડ પંપમાં પાણી જ આવતુ નથી. તેમજ ‘નલ સે જલ યોજના’ હેઠળ દરેક ઘરે નળ લગાવવામાં આવેલ છે, પરંતુ નળમાં પણ પાણી જોવા મળતુ નથી. ગામમાં જે કૂવો આવેલો છે તેમા પણ થોડું ઘણુ પાણી છે, પરંતુ તે પાણી પણ ગંદુ હોવાથી બિન ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

પાણીની સમસ્યાનું નિરાકરણ થાય અને બગડી ગયેલ હેન્ડ પંપોનું સમારકામ થાય તે હેતુથી ગામના આગેવાનોએ પાણી પુરવઠા વિભાગને લેખિતમાં એક મહિના પહેલા રજૂઆત કરી હતી. જો કે હજુ સુધી આ પ્રશ્નનો નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો ટૂંક સમયમાં પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કે સ્થાનિક વહીવટી તંત્ર સ્થળ તપાસ કરીને પ્રજાના પાણીના પ્રશ્નનું નિરાકરણ કરશે કે નહીં તે આવનાર દિવસોમાં જોવુ જ રહ્યું.