May 3, 2024

મણિપુરમાં 47 મતદાન કેન્દ્રો પર ફરીથી થાય મતદાન, કોંગ્રેસે કરી માગ

મણિપુર: લોકસભાની ચૂંટણીનું 19 એપ્રિલથી દેશના 21 રાજ્યોમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. મણિપુરની બે લોકસભા બેઠકો માટેની લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો 19 એપ્રિલે ઘણી ફરિયાદો અને હિંસા વચ્ચે સમાપ્ત થયો હતો. મતદાન સમાપ્ત થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ અનેક આક્ષેપો કર્યા છે અને પુનઃ મતદાનની માંગણી કરી છે.

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન મણિપુરમાં ચૂંટણી યોજાઈ હતી. આ સમયગાળા દરમિયાન, મતદારોને ડરાવવા, બૂથ પર કબજો અને ઘણા મતદાન મથકો પર હિંસાની ફરિયાદો વચ્ચે 68 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. ઘણા મતદાન મથકો પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ને નુકસાન થવાના ઘણા કિસ્સા નોંધાયા છે. મણિપુરમાં મતદાન બાદ કોંગ્રેસે ચૂંટણી દરમિયાન હેરાફેરી અને બૂથ પર કબજો કરવો જેવા આરોપ લગાવીને 47 મતદાન મથકો પર ફરીથી મતદાનની માંગ કરી છે.

પુનઃ મતદાનની માંગ
કોંગ્રેસના મણિપુર એકમના પ્રમુખ કે મેઘચંદ્રએ કહ્યું કે પાર્ટીએ મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે અને આંતરિક મણિપુર મતવિસ્તારના 36 મતદાન મથકો અને બાહ્ય મણિપુર મતવિસ્તારના 11 મતદાન મથકો પર ફરીથી મતદાનની માંગ કરી છે. પત્રકાર સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું કે અજાણ્યા સશસ્ત્ર બદમાશો છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના ઉમેદવાર અંગોમચા બિમોલ અકોઈઝમ અને પાર્ટીના ચૂંટણી એજન્ટને ધમકી આપી રહ્યા છે.

60 સભ્યોની મણિપુર વિધાનસભાના 32 મતવિસ્તાર આંતરિક મણિપુર લોકસભા બેઠક હેઠળ આવે છે. જ્યારે 28 વિધાનસભા મતવિસ્તાર બાહ્ય મણિપુર સંસદીય મતવિસ્તારનો ભાગ છે. મીડિયા સાથે વાત કરતા મણિપુર પોલીસે જણાવ્યું કે પહેલા તબક્કાના મતદાનના દિવસે ઈમ્ફાલમાં એક સ્કૂલમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે.