December 19, 2024

…તો આ કારણોથી વિસાવદર બેઠક ભાજપ માટે ખાસ છે

VISAVADAR - NEWSCAPITAL

15 મી વિધાનસભામાં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંના ઉમેદવાર તરીકે ચૂંટાઈને ધારાસભ્ય બનેલા ભૂપત ભાયાણીએ તાજેતરમાં પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલા ભૂપત ભાયાણી મૂળ ભાજપના કાર્યકર્તા હતા, પરંતુ પક્ષમાં નારાજગી થતાં ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાના થોડા જ દિવસોમાં ફરી ભાજપમાં જોડાવાની ચર્ચાઓ તે સમયે શરૂ થઈ હતી, જેનો ભૂપત ભાયાણીએ ઈન્કાર કર્યો હતો. પરંતુ હવે લોક કાર્યો માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી ફરી ભાજપમાં જોડાયા છે.

વિસાવદર બેઠક ભાજપનો અભેદ્ય કિલ્લો ગણાતો હતો

જૂનાગઢ વિધાનસભાની કુલ પાંચ બેઠકો છે, જેમાંથી ત્રણ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ભૂપત ભાયાણીના ભાજપમાં જોડાયા બાદ હવે વધુ એક બેઠક પણ ભાજપના ફાળે જાય તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાનો સમાવેશ થાય છે. જૂનાગઢ જીલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો થાય તેવો ગણગણાટ હાલ થઈ રહ્યો છે. એક સમયે વિસાવદર બેઠક ભાજપનો અભેદ્ય કિલ્લો ગણાતો હતો. આ બેઠક પર વર્ષ 1995થી વર્ષ 2007 સુધી સતત 4 ટર્મ ભાજપ પાસે સત્તા રહી હતી.VISAVADAR - NEWSCAPITAL સૌથી વધુ પાટીદાર મતદારો 

વિસાવદર બેઠક પર અંદાજે સવા લાખ પાટીદાર મતદારો છે. પાટીદાર અનામત આંદોલનથી બેઠક પર સત્તા પરિવર્તન થયુ હતું. આંદોલનનો લાભ વિસાવદર સહિત જૂનાગઢની સીટો પર પણ થયો હતો. બેઠક પર અંદાજીત કુલ 2, 58, 104 મતદારો છે જેમાં 1,34,870 પૂરૂષ મતદારો અને 1,23,232 સ્ત્રી મતદારો છે. જાતિ આધારિત મતદારોની વાત કરવામાં આવે તો આ બેઠક પર સૌથી વધુ 1,35,000 પાટીદાર મતદારો છે, જ્યારે 21,000 દલિત મતદાર, 20,000 કોળી મતદાર અને 12,000 મુસ્લિમ મતદારો છે.

આ પણ વાંચો : Ahmedabad : ત્રણ દાયકા બાદ ડબલ ડેકર બસ દોડતી થઈ, જાણો ખાસિયત !

ભૂપત ભાયાણીના ભાજપમાં જોડાવાથી શું સ્થિતી બનશે ? 

વિસાવદરની બેઠક ઉપર લેઉવા પટેલ સમાજનું વર્ચસ્વ છે. આ બેઠક પરથી છેલ્લા ચાર દાયકાથી લેઉવા પટેલના આગેવાન ચૂંટાતા આવ્યા છે. બેઠકના કુલ મતદારોના 50% મત લેઉવા પટેલ સમાજના છે અને ભૂપત ભાયાણી પણ લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. વધુમાં વિસાવદર સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ પાટીદાર મતો ધરાવતી બેઠક છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ અહીથી 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જૂનાગઢ લોકસભા બેઠક નબળી હોવાથી ભાજપે વિસાવદરમાં ઓપરેશન પાર પાડી ભૂપત ભાયાણી પાસેથી રાજીનામું લેવડાવ્યુ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે