November 15, 2024

VIDEO: સિક્કિમમાં ભારે ભૂસ્ખલન, તિસ્તા ડેમ પર બનેલું પાવર સ્ટેશન કાટમાળથી ઢંકાઇ ગયું

Teesta Dam Power Station: પૂર્વ સિક્કિમમાં મંગળવારે સવારે ભારે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે રાજ્યમાં એક પાવર સ્ટેશન લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. છેલ્લા કેટલાક અઠવાડિયાથી અહીં નાના-મોટા ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે. જેના કારણે 510 મેગાવોટ પાવર સ્ટેશનને અડીને આવેલ ટેકરી જોખમમાં મુકાઈ હતી. મંગળવારે સવારે પહાડીનો મોટો ભાગ સરકી ગયો અને નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC)ના તિસ્તા સ્ટેજ 5 ડેમનું પાવર સ્ટેશન કાટમાળથી ઢંકાઇ ગયું. આ ઘટના પૂર્વ સિક્કિમના સિંગતમના દીપુ દારાની પાસે બાલુતારમાં બની હતી.

નજીકની ટેકરી પરથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિડિયો પર કેપ્ચર કરાયેલા ભૂસ્ખલનમાં મોટા પથ્થરો અને કાટમાળ પાવરહાઉસ તરફ ઝડપથી પડતા દેખાતા હતા, જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈને ઘાયલ કે ઈજા થઈ નથી. સતત ભૂસ્ખલનને કારણે પાવર સ્ટેશનને થોડા દિવસો પહેલા ખાલી કરાવવામાં આવ્યું હતું. પાવર સ્ટેશનની નજીક કામ કરતા લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ખડકનો એક ભાગ સરકી રહ્યો છે અને થોડા સમય પછી તેનો મોટો ભાગ પાવર સ્ટેશનની ટોચ પર આવી જાય છે.

રહેવાસીઓના જણાવ્યા અનુસાર, સવારે 7:00 વાગ્યાની આસપાસ જે ભૂસ્ખલન થયું તે સંભવતઃ NHPC તિસ્તા સ્ટેજ V ટનલને કારણે થયું હતું જે વિસ્તારની નીચેથી પસાર થાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ભૂસ્ખલનથી 17-18 મકાનોને પણ નુકસાન થયું હતું, ના કારણે 5-6 પરિવારોને સલામતી માટે NHPC ક્વાર્ટર્સમાં જવાની ફરજ પડી હતી. રહેણાંકના નુકસાન ઉપરાંત, વિસ્તારના પાવર પ્લાન્ટ્સને પણ નોંધપાત્ર નુકસાન થયું હતું. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2023માં સિક્કિમમાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે લોનાક ગ્લેશિયલ લેક ઓવરફ્લો થઈ ગયું અને સ્ટેજ 5 ડેમ નિષ્ક્રિય બન્યો. વાદળ ફાટવાને કારણે સિક્કિમના સૌથી મોટા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, ચુંગથાંગ ખાતે તિસ્તા ડેમના કેટલાક ભાગો ધોવાઇ ગયા હતા.