December 26, 2024

તરસાલી હાઇવે પર અકસ્માત, એક પરિવારના પાંચ લોકોનાં મોત

vadodara tarsali highway accident five people death

કારનો કચ્ચરઘાણ વળી ગયો છે.

વડોદરાઃ શહેરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

તરસાલી હાઇવે પર ગમખ્વાર અકસ્માત
મળતી માહિતી પ્રમાણે, વડોદરા-તરસાલી હાઇવે પર આવેલી ગિરનાર હોટેલ સામે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત નીપજ્યા છે. તમામ રહેવાસીઓ વડોદરાના હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રેલર પાછળ અલ્ટો કાર ઘૂસી
હાઇવે પર પાર્ક કરેલા એક ટ્રેલર પાછળ અલ્ટો કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. ટ્રેલર પાછળ ધમાકાભેર કાર અથડાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. ત્યારે કારમાં સવાર પાંચ લોકોનાં મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

ઘરથી 3 કિલોમીટર જ દૂર હતા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ પટેલ પરિવાર આજવા રોડ પર આવેલા મધુનગરમાં રહેતો હતો. રાજપીપળાથી વતન પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાતા પાંચ લોકોનાં મોત નીપજ્યા છે. બે ભાઈઓ, દેરાણી, જેઠાણી સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યા છે. જેમાં એક વર્ષનું નાજુક બાળક પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, આ ગમખ્વાર અકસ્માતમાં ચાર વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો છે. આ પરિવાર ઘરથી માત્ર 3 કિલોમીટર જ દૂર હતો, ત્યાં જ તમામને કાળ ભરખી ગયો હતો.

મૃતકોનાં નામ

  • પ્રજ્ઞેશભાઈ પટેલ – ઉં.વ. 34
  • મયુરભાઈ પટેલ – ઉં.વ. 30
  • ઉર્વશીબેન પટેલ – ઉં.વ. 31
  • ભૂમિકાબેન પટેલ – ઉં.વ. 28
  • લવ પટેલ – ઉં.વ. 1

અકસ્માતમાં બચી જનાર

  • અસ્મિતા પટેલ – ઉં.વ. 4