May 17, 2024

ભારત જોડા યાત્રા દ્વારા રાહુલ ગાંધી ગુજરાતમાં ગજવશે સભાઓ

ગુજરાત: લોકસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં ભાજપ દ્વારા રાજ્યમાં હાલ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પણ આગામી 7 માર્ચથી ગુજરાતમાં ભારત જોડો યાત્રા દ્વારા આવી રહ્યાં છે. ત્યારે ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા અનેક તૈયારીઓ કરવામાં આવી છે. રાહુલ ગાંધી આગામી 7 માર્ચ, ગુરૂવાર થી 10 માર્ચ, રવિવાર એમ 4 દિવસ ગુજરાતમાં ફરવાના છે. 7 માર્ચની બપોરે 3 કલાકે રાહુલ ગાંધી દાહોદના ઝાલોદમાંથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને અહીં ધ્વજ હસ્તાંતરણ સમારોહમાં હાજરી આપશે અને ઝાલોદ બાયપાસ પાસે રાત્રી રોકાણ કરશે.

સવારે 8 કલાકે, દાહોદના બસ સ્ટેન્ડથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થશે, આ યાત્રાનું લીમખેડાના બિરસા મુંડા ચોકમાં સ્વાગત કરાશે, ઉપરાંત પીપલોદ ખાતે પણ રાહુલ ગાંધીનું સ્વાાગત કરાશે. સવારે 11 કલાકે ગોધરાના બસ સ્ટેન્ડથી રાહુલ ગાંધી પદયાત્રામા ભાગ લેશે અને ત્યાર બાદ લોકોને સંબોધન કરશે. બપોરે 2 કલાકે પંચમહાલના કાલોલ સ્થિત કોંગ્રેસ ભવનથી ફરી યાત્રા શરૂ કરશે. જે દરમિયાન પંચમહાલના હાલોલના બસ સ્ટેન્ડથી મહારાણા પ્રતાપ ચોક સુધી યાત્રા કર્યા બાદ રાહુલ ગાંધી એક જનસભાને સંબોધશે. સભા પૂર્ણ થયાં બાદ યાત્રા આગળ વધશે જેનું પાવાગઢ, શિવરાજપુર, જાંબુઘોડા અને પંચમહાલ ખાતે સ્વાગત કરવામાં આવશે આમ 8 માર્ચે શુક્રવારની રાત રાહુલ ગાંધી જાંબુઘોડામાં રોકાશે.

9 મી માર્ચ, શનિવારના દિવસે રાહુલ ગાંધીની યાત્રા છોટાઉદેપુરમાં હશે, અહીંના અલીપુરા બોડેલી સર્કલ પાસેથી રાહુલ ગાંધીની યાત્રા શરૂ થશે. જેનું નસવાડી , નર્મદાની અક્તેશ્વર ચોકડી ખાતે સ્વાગત કરાશે. જ્યારે રાજપીપળાની સંતોષ ચોકડી ખાતે રાહુલ ગાંધી પદયાત્રા કરશે અને અહીં તેઓ એક જાહેરસભાને સંબોધન કરશે. બપોરે 2.30 કલાકે રાહુલ ગાંધી ભોજન લીધા બાદ ભરૂચના નેત્રંગથી યાત્રાની શરૂઆત કરશે અને નેત્રંગ ચાર રસ્તા પાસે યાત્રાનું સ્વાગત કરાશે, તેમજ સુરતના માંગરોળના ઝંખવાવ ખાતે પણ યાત્રાનું સ્વાગત કરાશે. 9મી માર્ચ શુક્રવારની રાત રાહુલ ગાંધી માલદા ફાટા ચાર રસ્તા પાસે રાત્રિ રોકાણ કરશે.

10મી માર્ચ, રવિવારની સવારે 8 કલાકે સુરતના માંડવીથી રાહુલ ગાંધીની યાત્રા શરૂ થશે. જેનું બસ સ્ટેન્ડ ચાર રસ્તા પાસે સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત સુરતના બારડોલીમાં અમર જવાન ચોક ખાતે પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ બારડોલીના સરદાર ચોક ખાતે રાહુલ ગાંધી એક જાહેર સભાને સંબોધન કરશે. સભા પૂર્ણ થયાં બાદ યાત્રા આગળ વધતા વ્યારા પહોંચશે અને ત્યાંથી આગળ વધીને સોનગઢ ખાતે બપોરે 2 કલાકે ભોજન લેશે આ પહેલાં સોનગઢમાં રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ મહારાષ્ટ્રના નંદુરબારના વિસારવાડી ખાતે બપોરે 3.30 કલાકે ધ્વજ હસ્તાંતરણના એક કાર્યક્રમમાં ભાગ લેશે.