વડોદરાના હરણી બોટ કાંડ મામલે બે એન્જિનિયર સસ્પેન્ડ
વડોદરાઃ ગયા મહિને શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવમાં બોટ ડૂબવાની દુર્ઘટના બની હતી. ત્યારે એ ઘટનાને એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નહોતા. હવે વડોદરા મહાનગરપાલિકા મોડા મોડા એક્શનમાં આવી છે. હરણી બોટ દુર્ઘટનાની પહેલી માસિક પુણ્યતિથિના સમયે જ બે એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા છે.
તો બીજી તરફ, વડોદરા મહાનગરપાલિકાની કાર્યવાહીથી સાથી એન્જિનિયરોમાં નારાજગી છે. આજે તમામ એન્જિનિયર માસ સીએલ પર ઉતરી ગયા છે. આ ઉપરાંત વડોદરાના બદામડી ખાતે મૌન અને ધરણાં ધરી આંદોલન કર્યું હતું. પાલિકાએ હરણી લેકઝોન પ્રોજેક્ટના સુપરવિઝનમાં નિષ્કાળજી બદલ ઉત્તર ઝોનમાં જીગર સાયાનીયા અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિતેષ માળી અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ફ્યુચરિસ્ટિક સેલમાં ફરજ બજાવતા અધિકારીને ફરજ મોકૂફ કરી નાંખ્યા છે. જેને લઈને સાથી એન્જિનિયરોમાં નારાજગી જોવા મળી છે.
અંદાજે 100 જેટલા એન્જિનિયર્સ આજે માસ સીએલ પર ઉતરી ગયા છે અને સસ્પેન્શનનો વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બોટ કાંડ મામલે પોલીસ અત્યાર સુધીમાં 20 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે હાલ બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય 4 અધિકારી-કર્મચારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે.
શું હતી હરણી બોટ દુર્ઘટના?
વડોદરાની ન્યૂ સનરાઇઝ શાળાના વિદ્યાર્થીઓ હરણી તળાવમાં પિકનિક માટે આવ્યા હતા. ત્યારે બોટમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવાથી બોટ મધતળાવે પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં ગોઝારી દુર્ઘટનામાં 12 નાના ભૂલકાઓ સાથે બે શિક્ષિકાઓના મોત નીપજ્યા છે.