December 24, 2024

Vadodara : વડોદરા કોર્પોરેશનનું ડ્રાફ્ટ અને રિવાઈઝડ બજેટ રજૂ કરાયું, વિકાસ કામોનો સમાવેશ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વર્ષ 2024-25ના ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને રજૂ કર્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ અને રિવાઈઝડ બજેટ અંદાજીત 5 હજાર 230 કરોડનું બજેટ જાહેર કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરએ રજૂ કરેલા અંદાજપત્રમાં રૂપિયા 1650 કરોડના વિકાસના કામો રજૂ કર્યા છે આ વિકાસના કામોમાં ખાસ કરીને ઈ-વિહકલને ટેક્સમાં રાહત આપવામાં આવશે. સ્થાયી સમિતિમાં કરદર વિનાનું બજેટ રજૂ કરતા શહેરીજનો પર કોઇ વધારાનું ટેક્સનું ભારણ નાખવામાં આવ્યું નથી.

વિકાસ કામોમાં શહેર ફરતે રિંગ રોડ અને નવા 9 બ્રિજ સહિત માંજલપુર સ્વિમિંગપુલ, નવી આંગણવાડીઓ, ડ્રેનેજ નેટવર્ક અને પાણીની નવી ટાંકીઓના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી હોવાથી કોર્પોશન દ્વારા કરદરમાં વધારો કરવામાં આવ્યો નથી જેથી ચૂંટણીલક્ષી પણ ગણાવામાં આવી રહ્યું છે. વડોદરા સમૃદ્ધિ સંસ્કૃતિ અને સ્થાપત્યના સંરક્ષણ માટે સ્માર્ટ સિટી વડોદરાનું આયોજન કર્યું છે. નાગરિકોની સુરક્ષા માટે રૂપિયા 12 કરોડના ખર્ચે વધારાના સીસીટીવી કેમેરા અને જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા નથી ત્યાં રૂપિયા 15 કરોડના ખર્ચે નવી સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવશે.