નવલનીની હત્યા અંગે જો બાઇડનનું મોટું નિવેદન, કહ્યું…
વોશિંગ્ટનઃ રશિયાની જેલમાં સજા ભોગવી રહેલા વિપક્ષી નેતા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી એલેક્સી નવલનીની અચાનક મોત થઈ ગઈ હતી. યમાલો-નેનેટ્સ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ પ્રશાસને નિવેદનમાં જણાવ્યુ હતુ કે, જેલમાં નવલનીની તબિયત ખરાબ હતી. નવલનીની મોતને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે સીધી રીતે વ્લાદિમીર પુતિનને જવાબદાર ગણાવ્યા છે.
જાણો બાઇડને શું કહ્યું?
નિવેદનમાં બાઇડને કહ્યુ કે, ‘તમે જાણો છો કે દુનિયાભરમાં લાખો લોકોની જેમ હું પણ એલેક્સી નવલની કથિત મોતના સમાચારથી આશ્ચર્યચકિત નથી, પરંતુ ગુસ્સામાં છું. ત્યાં પુતિન સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચાર અને હિંસા તથા અન્ય તમામ ખરાબ કામોની સામે બહાદુરી સાથે લડ્યા હતા. જવાબમાં પુતિને તેમની ધરપકડ કરાવીને ઝેર આપ્યું. તેના પર મન ફાવે તેવી કલમો લગાવીને કેસ ચલાવ્યો. તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ જેલમાં પણ એલેક્સી સત્યનો એક બુલંદ અવાજ બન્યા હતા.’
2020માં પણ થયો હતો હત્યાનો પ્રયાસ
એલેક્સી નવલની મોત માટે પુતિનને જવાબદાર ગણાવતા બાઇડને કહ્યુ કે, ‘2020માં જ્યારે તેમની હત્યાનો પ્રયત્ન થયો હતો ત્યારે તેઓ ઇચ્છતા તો નિર્વાસનમાં સુરક્ષિત રહી શકતા હતા, કારણ કે ત્યારે તેઓ પોતાના દેશમાંપણ નહોતા, પરંતુ તેમને ખબર હતી કે રશિયા આવ્યા પછી તેમને કેદ આપવામાં આવશે અથવા તેમની હત્યા કરવામાં આવશે, આ વાત જાણતા હોવા છતાં તેઓ રશિયા આવ્યા હતા. તેમને પોતાના દેશ રશિયા સાથે ખૂબ પ્રેમ હતો અને વિશ્વાસ પણ હતો. તેમના મોતના સમાચાર જો સાચા છે તો મારી પાસે આ વાત પર વિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી, રશિયન અધિકારી તેમની વાત પોતે જ રજૂ કરવા જઈ રહ્યા છે. પરંતુ કોઈ ભૂલ ન થાય. નવલનીની મોત માટે માત્ર પુતિન જવાબદાર છે.’
પહેલા પણ મારવાનો પ્રયત્ન થયો હતો
આ પહેલા યમાલો-નેનેટ્સ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ તંત્રએ ઓફિસિયલ નિવેદનમાં જણાવ્યુ છે કે, શુક્રવારે જેલમાં ચહલપહલ વધ્યા બાદ નવલની તબિયત સારી નહોતી. તેમની તબિયત સારી ન હોવાની જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ બેહોશ થઈ ગયા હતા. પછી મેડિકલ સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તે હોશમાં આવ્યા નહોતા.
જો કે, અત્યાર સુધીમાં તો તેમના મોતનું કારણ જાણવા મળ્યું નથી. નવલનીને લઈને કેટલીક અફવાઓ પણ સામે આવી રહી છે. આ પહેલાં 2020માં તેમને સાઇબિરિયામાં ઝેર આપીને મારવાની કોશિશ કરી હતી. જો કે, રશિયન સરકારે તેમને મારવાના પ્રયત્નોના દાવાને ફગાવી નાંખ્યો હતો. સરકારે કહ્યુ હતુ કે, આ વાતના કોઈ પુરાવા નથી કે તેમને નર્વ ઇન્જેટથી ઝેર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના જેલમાંથી ગાયબ થવાની પણ અફવા ઉડી હતી.