વહેલી સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
ગુજરાત: વહેલી સવારથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગઈકાલથી બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, અમરેલી જિલ્લાઓમાં કમોસમી માવઠું વરસ્યું છે. ત્યારે હજી પણ ગુજરાત માટે ભારે દિવસો છે. નોંધનીય છે કે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી આટલા જિલ્લાઓમાં આગામી 48 કલાક માટે વરસાદની આગાહી છે.
મળતી માહિતી અનુસાર દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે તો પાનેલી, ભોગાત સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. નોંધનીય છે કે, કમોસમી વરસાદથી શિયાળુ પાક અને બાગાયતી પાકમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. તો વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છે. ત્યારે પાટણ જિલ્લામાં સવાર થી વાદળછાયું વાતાવરણ છે. વાદળછાયું વાતાવરણને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. સાંતલપુર તાલુકા ના અંતરિયાળ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે.
કમોસમી વરસાદાને લઇને જીરું, એરંડા, વરિયાળી ના પાક માં રોગચાળો આવે તેવી સંભાવના છે. તમને જણાવી દઇએ કે, સુઇગામ બાદ થરાદ પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.