March 17, 2025

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતાનું નિધન, PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી

Dharmendra Pradhan’s father passed away: કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા ડૉ. દેવેન્દ્ર પ્રધાનનું આજે અવસાન થયું. તેમણે 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન બાદ PM મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે, ધર્મેન્દ્ર પ્રધાનના પિતા દેવેન્દ્ર પ્રધાન પણ ભાજપના વરિષ્ઠ નેતા હતા. તેઓ પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી પણ હતા. તેમના પુત્ર ધર્મેન્દ્ર પ્રધાન PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની વર્તમાન કેન્દ્ર સરકારમાં શિક્ષણમંત્રી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પૂર્વ ઓડિશા એકમના પ્રમુખ દેવેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા.

ઓડિશાના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ દેવેન્દ્ર પ્રધાનના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે દેવેન્દ્ર પ્રધાન એક લોકપ્રિય જન નેતા અને સક્ષમ સાંસદ હતા. સીએમ મોહન ચરણ માઝીએ કહ્યું, “તેમણે (દેવેન્દ્ર પ્રધાન) 1999 થી 2001 સુધી કેન્દ્રીય પરિવહન અને કૃષિમંત્રી તરીકેની તેમની ફરજો અસરકારક રીતે નિભાવી. એક જનપ્રતિનિધિ અને સાંસદ તરીકે, તેમણે ઘણા કલ્યાણકારી કાર્યો કર્યા જેના માટે તેમને સામાન્ય લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. તેમણે સેવાની ભાવના અને સંકલ્પ સાથે તેમનું સમગ્ર જીવન રાજ્યના વિકાસ માટે સમર્પિત કર્યું હતું.