December 18, 2024

કાર બેકાબૂ થતાં ચાલતી ટ્રક સાથે પાછળથી અથડાઈ, 6 લોકો જીવતા દાઝ્યા

Rajasthan Road Accident : રાજસ્થાનના સીકર જિલ્લામાં રવિવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ કાર પાછળથી ચાલતી ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે બંને વાહનોમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં બે બાળકો સહિત છ લોકો જીવતા દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ અકસ્માત સીકર જિલ્લાના ફતેહપુર વિસ્તારમાં થયો હતો.

મળતી માહિતી મુજબ, ચુરુ-સાલાસર હાઈવે પર બપોરના સમયે એક ઝડપી કાર ચાલતી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ કાર અને ટ્રકમાં આગ લાગી હતી. આશીર્વાદ હોટલ પાસે અકસ્માત સર્જાયો હતો. કાર યુપી નંબરની હોવાનું કહેવાય છે. અકસ્માતની તસવીરો હ્રદયદ્રાવક છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક કપાસથી ભરેલી હતી. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે મૃતદેહોને સ્થાનિક હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. જો કે હજુ સુધી દાઝી ગયેલા લોકોની ઓળખ થઈ શકી નથી.