November 15, 2024

જમીનોના ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડનાર ટોળકી વિરુદ્ધ વધુ બે ગુના નોંધાયા

મિહિર સોની, અમદાવાદ: શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં જમીનોના ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડનાર ટોળકી વિરુદ્ધ વધુ બે ગુના નોંધાયા છે. આરોપીઓ અમદાવાદની કરોડોની જમીનના ખોટા પાવર ઓફ એટર્ની બનાવી જમીન પરનો દસ્તાવેજ કરી જમીન માલિક પાસેથી કરોડોની ખંડણી માગતા હતા. જેમાં જમીન ભૂમાફિયા સાથે નોટરાઈઝ કરનાર નોટરી અને વકીલ ભેગા મળી ષડયંત્ર રચતા હતા.

જમીન ભૂમાફિયા મોહમ્મદ ઈસ્માઈલ ઉર્ફે સજ્જુ શેખ ની ટોળકી વિરુદ્ધ વધુ બે ગુનો નોંધાયો છે. જેમાં અમદાવાદના ગ્યાસપુર સીમના સર્વે નંબર 247/બ પૈકી 1350 ચો.મી બિન ખેતી જમીન આરોપી મોહમ્મદ ઈસ્માઈલ ઉર્ફે સજ્જું ગોટીલાલએ પોતાના નામે બોગસ દસ્તાવેજ કરી દીધો અને તે જમીન પર રેવન્યુ વિભાગમાં પોતાનું નામ ચડાવવા જતા મૂળ મોહમ્મદ જૈઝ મન્સૂરી ધ્યાન પર આવ્યું હતું કે, પોતાની જમીન પર બોગસ દસ્તાવેજ થઈ ગયો છે. આવી જ રીતે અન્ય ગ્યાસપુર સીમની 247/બ/4 ની 1350 ચોરસ મીટરની જમીન પણ બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી દિધો હતો. જેનો મૂળ માલીક મોહમ્મદ તલ્હા મન્સૂરી રેવન્યુ વિભાગમાં તપાસ કરતા સામે આવ્યું હતું. જે બાદ જમીન માલિક સાથે છેતરપિંડી થતા તેણે વેજલપુર પોલીસમાં આરોપી મોહમ્મદ ઈસ્માઈલ ઉર્ફ સજ્જુ ઉર્ફે ગોટીલાલ શેખ, નોટરી કરનાર તરંગ દવે અને વકીલ, હરવિરસિંહ કેદારસિંહ, શેખ મોહમ્મદ આરીફ ગુલામ મોહમ્મદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આરોપી મોહમ્મદ ઈસ્માઈલે ઉર્ફે સજ્જુ શેખ એ ગ્યાસપુરના સર્વેની જમીન વર્ષ 2018માં ખોટી પાવર ઓફ એટર્ની બનાવી હતી તેમાં ફરિયાદીની ખોટી સહી કરી હતી. જેમાં નોટરાઈઝ કરી નોટરી સહી સિક્કા કરનાર તરંગ દવે હતા. સાથે જ પોતાની નોટરી રજીસ્ટરમાં નોંધણી કર્યા વગર ખોટો નોંધણી નંબર નાખી નોટરાઇઝ કરી આપેલ હતા. તેમજ વકીલે આઇડેન્ટીફાઈડ બાયમાં ફરિયાદીની હાજરી વગર ફરિયાદીની ઓળખની સહી કરી મદદ કરેલ ખોટો પાવર ઓફ એટર્ની બનાવી આપ્યો હતો. જેના આધારે મે વર્ષ 2023માં આરોપી મોહમ્મદ ઈસ્માઈલએ રજીસ્ટર ખોટો દસ્તાવેજ કરાવી દીધો હતો. જોકે દસ્તાવેજમાં પોતાના નામ રેકોર્ડમાં દાખલ કરવા માટે અરજી કરતા જ મૂળ માલિક જાણ થઈ હતી, ત્યારે આરોપી મોહમ્મદ ઇસ્માઈ ઉર્ફે સજજુ જમીન ખોટો દસ્તાવેજ કરીને લીટીગેશન ઉભુ કરીને જમીન માલિક પાસે 12 કરોડની ખંડણી માગતો હતો. આવી જ રીતે અનેક જમીનો પર ટોળકી દ્વારા ખંડણી માગી પૈસા પડાવે છે.

પોલીસ તપાસમાં આરોપી મોહમ્મદ ઈસ્માઈલ ઉર્ફે સજ્જુ શેખએ અત્યાર સુધી અનેક ખોટા દસ્તાવેજ બનાવી જમીનો પચાવી પાડી છે. જેના વિરુદ્ધમાં 14થી વધુ ગુના નોંધાઈ ચુક્યા છે, ત્યારે નોટરી કરનાર તરંગ દવે વિરુદ્ધ 15 ગુના નોંધાઇ ચૂક્યા છે. આ ટોળકીએ અનેક જમીન માલિકો જમીન પચાવી પાડીને માલિક સાથે ખંડણીઓ માગતા હતા. નોંધનીય છે કે આર્થિક ગુના નિવારણ શાખા જમીન કૌભાંડ કેસમાં જમીન ભૂમાફિયા સજ્જુ ગોટીવાલા અને નોટરી તરંગ દવે જ્યુડિશિયલ કસ્ટડીમાં સજા કાપી રહ્યા છે.